Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ફ્લાઇટો ઘટતા વિવિધ એરલાઇને સ્ટાફને પગાર વગર રજા પર ઉતાર્યા

કેટલીક એરલાઇન્સ કંપનીઓએ ૩૦ ટકાથી વધુના સ્ટાફને ઘરે બેસાડી દીધો

અમદાવાદ,તા. રઃ  કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. હવે કોરોના સંક્રમણને કારણે ફ્લાઇટમાં મુસાફરો ના મળતા હવે વિવિધ એરલાઇન દ્વારા સ્ટાફને પગાર વગર જ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. કેટલીક એરલાઇન્સે ૩૦ ટકાથી વધુના સ્ટાફને ઘરે બેસાડી દીધો છે.

કોરોના સંક્રમણને કારણે એરલાઇનને ખોટ ખાવી પડી રહી છે. મુસાફરો ના મળતા કેટલીક એરલાઇન્સે કર્મચારીઓેને લીવ વિધાઉટ પે એટલે કે પગાર વગર રજા પર ઉતારી દીધા છે. ફ્લાઇટો રેગ્યુલર ચાલુ થશે ત્યારે તેમણે ફરી ડ્યુટી પર બોલાવવામાં આવશે.

એપ્રિલથી ૨૦ ટકા ફ્લાઇટોની સંખ્યા ઘટાડી દેવા તમામ એરલાઇન્સોને ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશને સૂચના આપી હતી. તેમાં પણ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસ વધતા લોકોએ મુસાફરી ટાળી એડવાન્સ બુકિંગ કરાવ્યુ હતું, તે બાદ તેમણે ટિકિટો કેન્સલ કરાવી હતી અને મુસાફરીની તારીખ પણ બદલાવી હતી. જેના પગલે ફ્લાઇટોને પેસેન્જરો મળતા નહતા અને અનેક ફ્લાઇટ કેન્સલ કરવી પડી હતી.

આ સ્થિતિમાં આર્થિક ખર્ચના ભારણને પહોચી વળવા એરલાઇન્સોએ પાયલોટ, ક્રૂ-મેમ્બર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓ મળી ૩૦ ટકાથી વધુ સ્ટાફને રજા પર ઉતારી દીધા છે.

(4:24 pm IST)