Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કોરોનામાં ગુજરાતમાં ૪ શહેરોમાં દરરોજ સરેરાશ ડઝન જેટલી છુટાછેડાની અરજી

છેલ્લા દોઢ વર્ષમાં રાજયમાં ડીવોર્સના ર૦ ટકા કેસ વધ્યા : સૌથી વધુ પ્રેમ લગ્ન કરનારની અરજીઓ આવી રહી છે

સુરત, તા. ર :  કોરોના કાળમાં લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટન્સીંગ લોકોની પ્રાઇવેટ લાઇફને પણ ખુબ જ પ્રભાવિત કરી છે. આ કારણે ગુજરાતમાં છુટાછેડાના મામલાઓમાં આંચકારૂપ ર૦ ટકાનો વધારો થયો છે.

એટલું જ નહીં પણ દરરોજ ડઝન જેટલી છુટાછેડાની અરજીઓ સરેરાશ આવી રહી છે. જાણકારો મુજબ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ડાયવોર્સ માટે પ હજારની વધુ અરજીઓ આવી છે. જેમાંથી પ૦ ટકા મામલાઓ તો એકલા અમદાવાદના જ છે. સુરતમાં ૯પર, વડોદરામાં ૭ર૯ અને રાજકોટમાં ૪૦૬ અરજીઓ છુટાછેડા માટે થઇ છે.

આ તો ફકત ફેમીલી કોર્ટમાં કરાયેલ અરજીઓ છે. સુરતની વાત કરીએ તો છુટાછેડાની અરજીઓ ઝડપથી વધી રહી છે. પહેલા લોકડાઉનમાં ૪૦૦ આસપાસ જયારે બીજામાં વધીને પપ૦ અરજીઓ થયેલ. જો કે ગ્રામ્ય વિસ્તારમાં શહેરોથી સ્થિતિ વધુ સારી છે. જયાં કોઇ ખાસ વધારો નથી થયો.

લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ થતા અને નાોકરીઓ છુટી જતા હાલત ખરાબ થયેલ. છુટાછેડામાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ આ પણ કારણ છે. આ સિવાય, કામવાળી બંધ થવું સહિત સુવિધા ઉપર કાપ, બધા સભ્યોનું સતત ઘરમાં રહેવાથી મહિલા ઉપર જવાબદારી વધતી, પતિ-પત્ની દ્વારા મોબાઇલનો વધુ ઉપયોગ સહિતના કારણો પણ છુટાછેડા માટે કયાંક નીમિત બની રહ્યા છે.

કોર્ટ ઉપરાંત મોટી સંખ્યામાં નોટરી દ્વારા પણ છુટાછેડા થઇ રહ્યા છે. અમુક સમાજમાં કાયદાકીય થતી નથી. તેઓ સ્ટેમ્પ પેપર ઉપર જ ડાયવોર્સ એગ્રીમેન્ટ કરાવે છે. રાજયના મોટા શહેરોમાં છુટાછેડાના પ્રતિમાસ અનેક એગ્રીમેન્ટ થઇ રહ્યા છે.

છુટાછેડાની અરજીઓમાં લગભગ ચોથા ભાગના લોકો તો પ્રેમલગ્ન કરનાર છે. આમ લવ મેરેજ કરનાર લોકોની સંખ્યા છુટાછેડા માટે સૌથી વધુ છે.

(3:13 pm IST)