Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય વિગ્રહ પંચમહાભૂતને સમર્પિત

મુખ્યમંત્રી- ઉપમુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિઃ ‘હરદમ રહેજા મારા શ્વાસમાં...’ પ્રાર્થના અને જયઘોષ સાથે ભકતોઍ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી પ્રેમસ્વરૂપસ્વામીના નેતૃત્વમાં પ્રબોધસ્વામી- ત્યાગવલ્લભસ્વામી સહિતના સંતો- ભકતોને યોગી ડિવાઈન સોસાયટીની જવાબદારી

રાજકોટઃ યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો  દિવ્ય વિગ્રહ પંચ મહાભૂતમાં વિલીન થયો છે.  તા. ૨૬ જુલાઈએ પરમ પૂજ્ય સ્વામીજીનો અક્ષરવાસ થયા બાદ તા. ૩૧ જુલાઇ સુધી તેઓશ્રીના દિવ્ય વિગ્રહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. આજે સવારથી સંતો, સહિષ્ણુ સેવકો અને અગ્રણી હરિભકતો દ્વારા પરમ પૂજ્ય સ્વામીજીનું પૂજન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને આવાસીય પરિસરમાં પધરાવીને વડીલ સંતો અને અંતેવાસી સેવકો દ્વારા અભિષેક - સ્નાનવિધિ કરાવવામાં આવી હતી ભારતની પવિત્ર નદીઓનાં જળ, ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાાન કરેલું જેનું સ્વામિનારાયણ પરંપરામાં આગવું મહત્વ છે તે જળાશયોનાં જળમાં  કેસર, ચંદન અને ગુલાબજળ મિશ્ર કરીને  અભિષેક-સ્નાન કરાવવામાં આવ્યું હતું. 

બપોરે બે કલાકે પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને વિશેષ પાલખીમાં પધરાવીને સુશોભિત રથમાં તે પાલખીને રાખવામાં આવી હતી.  સંતો અને સહિષ્ણુ સેવકો દ્વારા આ રથને સમગ્ર મંદિર પરિસરની બે પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી.  પ્રદક્ષિણા દરમિયાન સંતો-ભકતોએ સ્વામિનારાયણ મહામંત્રની ગગનભેદી આહાલેક જગાવી હતી.  સમગ્ર અંતિમયાત્રાના માર્ગમાં ડ્રોન દ્વારા સતત પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી.  લગભગ દોઢ કલાકની પ્રદક્ષિણા બાદ અંતિમયાત્રા અંત્યેષ્ટિના સ્થળે પહોંચી હતી. ઉપસ્થિત ભકત સમુદાય શાંતિથી દર્શન કરી શકે તે માટે અંતિમયાત્રાના માર્ગની બંને બાજુએ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

અંત્યેષ્ટિ સ્થળે ઉપસ્થિત હરિધામ મંદિરના વડીલ સંતો અને મહાનુભાવો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યાં હતા.  તે પછી શાસ્ત્રોકત વિધિપૂર્વક પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને કાષ્ટશૈયા ઉપર પધરાવવામાં આવેલ.  તમામ સંતો અને અંતેવાસી સેવકોએ ચંદન કાષ્ટનું સમર્પણ કર્યું હતું.  કાષ્ટશૈયા તૈયાર કરવામાં ચંદન, કેર, ઉમરો, પીપળો, સવન, તુલસી અને પરમ પૂજ્ય સ્વામીજીને પ્રિય નીમવૃક્ષનાં કાષ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુરુષસૂકતના મંત્રોચ્ચાર વચ્ચે અખંડ દીપથી પ્રજ્વલિત કરેલ કાષ્ટદંડથી ચરણકમળને અગ્નિનો સ્પર્શની સાથે જ પરમ પૂજ્ય સ્વામીજીનો દિવ્ય વિગ્રહ અગ્નિને સમર્પિત થયો હતો.  તે સમયે ઉપસ્થિત સંતો અને ભકત સમુદાયની આંખોએ જાણે કે અશ્રુનો દરિયો છલકાયો હતો. 

પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, સંતવલ્લભસ્વામી, ત્યાગવલ્લ્ભ સ્વામી, યજ્ઞવલ્લભસ્વામી, પ્રબોધજીવન સ્વામી, અશોકભાઇ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલે પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહને અગ્નિને સમર્પિત કરવાની વિધિ કરી હતી.  પરમ પૂજ્ય સ્વામીજી દિવ્ય સ્વરૂપે સહુની સાથે રહે તેવી  પ્રાર્થના આ સમગ્ર વિધિ દરમિયાન  સંતો-ભકતો આર્દ્રહૃદયે કરી રહ્યા હતા.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રધ્ધાંજલિ આપતાં પરમ પૂજ્ય સ્વામીજીને યુગપ્રવર્તક સંત ગણાવ્યા હતા.  તેઓશ્રીના આશીર્વાદથી ગુજરાતની  પ્રગતિ વધી વેગવાન બનશે તેવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.  હરિપ્રસાદ સ્વામીજી આત્મીયતા તેમજ સંપ, સુહૃદભાવ અને એકતાના સંદેશ દ્વારા શાશ્વત રીતે માર્ગદર્શન આપતા રહેશે.  શ્રી રૂપાણીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ સ્વામીજીના આશીર્વાદ અવારનવાર મળતા રહ્યા છે તે બાબતથી ધન્યતા અનુભવતા હોવાનું જણાવ્યું હતું. 

આ પ્રસંગે આશીર્વચન આપતાં અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત પરમ પૂજ્ય સાહેબજીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને પોતાના ગુરૂ ગણાવીને આધ્યાત્મિક પ્રગતિમાં યોગદાનને વંદન કર્યાં હતાં.  તેઓશ્રીએ પૂર્વાશ્રમના સમયથી હરિપ્રસાદ સ્વામીજી સાથેનાં સંસ્મરણો વર્ણવ્યાં હતાં.  સંપ, સુહૃદભાવ અને એકતાનો ગુરૂમંત્ર હરિપ્રસાદ સ્વામીજીએ આત્મસાત કર્યો હતો.  એ જ કારણે તેઓ આત્મીય સમાજમાં આ ગુણોની પ્રતિષ્ઠા કરવામાં સફળ રહ્યા હતાં. 

આ પ્રસંગે આશીર્વચન આપતાં પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અનુવૃત્તિ પ્રમાણે સુહૃદભાવ રાખીને આગળ વધવા દેશ-વિદેશના ભકતોને અનુરોધ કર્યો હતો.  જન્મમરણથી મુકિત આપતા સ્વામીજી જેવા ભગવાનનાં ધારક સત્પુરૂષ ક્યારેય વિદાય લઈ શકે જ નહીં.  એ આપણી સાથેને સાથે જ રહેવાના છે.  સ્વામીજીએ અંતર્ધ્યાન થયાના આગલા દિવસે પણ અંતેવાસી સેવકોને 'હું સૌની સાથે જ રહેવાનો છું' એવાં કૃપાવચન કહ્યાં હતાં.  હરિપ્રસાદ સ્વામીજીની સાથે દિક્ષા લેવાનું સૌભાગ્ય મળ્યું અને તેઓશ્રીની આજ્ઞામાં છ દાયકા સુધી રહેવાનું મળ્યું;  આજે સ્વામીજીનો શ્રી વિગ્રહ પંચ મહાભૂતમાં વિલીન થવાની સાથે એ નાતો પૂરો નથી થયો.  સ્વામીજી તેમના સંબંધવાળા સહુ સંતોમૂકતોમાં રહીને દર્શન આપશે અને આપણાં સહુની પ્રભુ તરફની યાત્રાને વધુ વેગીલી બનાવશે.

હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો દિવ્ય વિગ્રહ અગ્નિને સમર્પિત થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ સંતભગવંત પરમ પૂજ્ય સાહેબજીએ કહ્યું હતું કે, પરમ પૂજ્ય સ્વામીજીએ હંમેશાં સૌની પાસે સુહયદભાવથી જીવવાનો આગ્રહ રાખ્યો છે.  એ અનુવૃત્તિ પ્રમાણે યોગી ડિયાઈન સોસાયટીની જવાબદારી પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી અને પૂજ્ય પ્રબોધજીવન સ્વામી ઉપરાંત પૂજ્ય સંતવલ્લભસ્વામી, અશોકભાઇ સેક્રેટરી અને વિઠ્ઠલદાસ પટેલને સોંપવાની જાહેરાત કરી હતી.  તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ગાદી મેળવવા માટે વિવાદ હોય છે પરંતુ અહીં તો સહુનું જીવન હરિ-સાદ સ્વામીજીની 'દાસના દાસ' બનવાની આજ્ઞાને અનુરૂપ હોવાથી કોઈ ગાદી સંભાળવા તૈયાર ન્હોતું.  તે સંજોગોમાં ગુણાતીતસમાજના વડીલ સંતો-ભકતોની સંમતિથી પૂજ્ય -ેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં પ્રબોધજીવન સ્વામી, ત્યાગવલ્લભસ્વામી, સંતવલ્લભસ્વામી, અશોકભાઇ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલને યોગી ડિવાઇન સોસાયટીની જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ તમામ સંતો-ભકતો હરિપ્રસાદ સ્વામીજીની અનુવૃત્તિ પ્રમાણે સામાજિક અને આધ્યાત્મિક સેવાકાર્યોમાં સક્રિય રહીને સ્વામીજીની સુવાસ દિગંતમાં પ્રસરાવશે તેવી શ્રધ્ધા પરમ પૂજ્ય સાહેબજીએ વ્યકત કરી હતી. 

પૂ. મુકુંદજીવન સ્વામી, પૂ. શાંતિભાઈ, પૂ. અશ્વિનભાઈ, પૂ. દિનકરભાઈ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂ. હરિઓમ મહારાજ, શ્રી પરિન્દુ ભગત સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને દેશવિદેશના પ્રતિનિધિરૂપ ભકતો ઉપસ્થિત રહ્યા હતા.  દેશવિદેશમાં લાખો ભકતોએ ઓનલાઈન અને ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી ઘેર રહીને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ નિહાળી હતી.

યોગી ડિવાઇન સોસાયટી વતી ત્યાગવલ્લભ સ્વામીએ પરમ પૂજ્ય સ્વામીજીના અચાનક અક્ષરવાસથી ઊભી થયેલી વજ્રઘાત સમી પરિસ્થિતીમાં હુંફ અને લાગણી પ્રદર્શિત કરનાર સહુ સ્વજનો તેમજ જનજન સુધી પ.પૂ. સ્વામીજીના દિવ્ય સંદેશ પહોંચાડનારા માધ્યમોનો આભાર માન્યો હતો.

(4:14 pm IST)