Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

૪ જીલ્લા કોરોના મુકત ૬માં ફકત ૧-૧ કોરોના દર્દી

ગુજરાતનો રેટ ૯૮.૭૫ ટકાઃ છેલ્લા ૨૪કલાકમાં ૨૩ કેસ નોંધાયાઃ એક પણ મૃત્યુ નહી

અમદાવાદઃ ગુજરાતના ૩૩ જીલ્લાઓમાંથી ૪ કોરોના મુકત બન્યા છે. જયારે ૬ જીલ્લાઓમાં ફકત ૧-૧ દર્દીઓ જ સારવારમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ જીલ્લઓમાં કોઇ પણ નવા કેસ નોંધાયા નથી. એટલું જ નહીં પણ રાજયમાં ગત એક દિવસમાં ફકત ૨૩ નવા કેસ સામે આવ્યા છે. એક પણ મૃત્યુ નોંધાયુ નથી.

રાજયમાં એકટીવ દર્દીઓની સંખ્યા ૨૫૪ છે. રાજયના જે ૪ જીલ્લા કોરોનામુકત બન્યા છે તેમાં તાપી, પોરબંદર, અરવલ્લી અને છોટા ઉદેપુર સામે છે. જયારે બનાસકાંઠા, બોટાદ, ડાંગ, ખેડા, મહિસાગર અને પાટણ જીલ્લામાં ૧-૧ દર્દી સારવારમાં છે. ૨૪ કલાકમાં અમદાવાદમાં ૮, વડોદરામાં ૬, સૂરત-જૂનાગઢમાં ૨-૨ કેસ નોંધાયા છે.

જયારે વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પોરબંદર, પાટણ, પંચમહાલ, નર્મદા, મોરબી, મહેસાણા, કચ્છ, ખેડા, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, ભરૂચ, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ અને અમરેલી જીલ્લામાં રવિવારે એક નવા કોરોના કેસ નોંધાયો નથી.

ગઇકાલે કોરોનાના ૨૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાયેલ. કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા ૮ લાખથી વધુ થઇ છે. હાલ પ દર્દી વેન્ટીલેટર ઉપર છે, જયારે ૨૪૯ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રીકવરી રેટ ૯૮.૭૫ ટકા થયો છે.

(4:15 pm IST)