Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ખંભાત જીઆઇડીસીમાં બંધ પેકેજીંગ કંપનીમાં 27.50 લાખના મશીનરી ડાઇ સહિતની ચોરી કરતી ટોળકી ઝડપાઇઃ ચેકીંગ દરમિયાન પોલીસની પૂછપરછમાં ચોરી કર્યાની કબુલાત

પાંચેય શખ્‍સો નાણાકીય ભીડમાં હોવાથી બંધ કંપનીમાં ચોરી કરવાનો પ્‍લાન કર્યો હતો

ખંભાત: શહેની જીઆઇડીસીમાં આવેલી બંધ પેકેજીંગ કંપનીમાંથી 27.50 લાખની મતાની મશીનરી ડાઈ સહિતની મત્તાની ચોરી કરનાર ટોળકીને ખંભાત ગ્રામ્યપોલીસે ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાત ગોલાણા માર્ગ પર સોખડા ગામ નજીક કચ્છીવાસ પાસે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે પોલીસે શંકાના આધારે છોટા હાથી ટેમ્પોને અટકાવી ટેમ્પોની ગુજ પોકેટ કોપના આધારે તપાસ કરતા બંને નામ અલગ અલગ જણાતા પોલીસે ટેમ્પોમાં સવાર પાંચ શખ્સોની ઝીણવટભરી પૂછપરછ કરતા ટેમ્પોમાં ભરેલો સામાન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે વધુ પૂછપરછ કરતા ખંભાતના લુણેજ ગામ ખાતે આવેલી ટ્રાન્સ એન્ટાલીક પેકેજીંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી મશીનરી અને ડાઈની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી,પોલીસે ટેમ્પોમાં ભરેલો 27.50 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચોરી કરનાર ખંભાત કતકપુરનાં  રાજેશ ઉર્ફે રાજુ ભાવુ વાલ્મીક, કલ્પેશ વિરસિંગ ઉર્ફે વીનું વાલ્મીક,મનોજ ભાવુ વાલ્મીક, કમલેશ વિરસિંગ ઉર્ફે વીનું વાલ્મીક,પીઠ વિસ્તારનો પરેશ ઉર્ફે પકો રણછોડ પ્રજાપતિ સહિત પાંચ જણાની ચોરીના ગુનામાં ઘરપકડ કરી હતી.

પકડાયેલી ટોળકીના પાંચેય શખ્સો રીઢા ચોર છે, પાંચેય જણા નાણાકીય ભીડમાં હોઈ અને કંપની લાંબા સમયથી બંધ હોઈ ચોરી કરવાની યોજના બનાવી ત્રણ દિવસ સુધી કંપનીની રેકી કર્યા બાદ પહેલી વખત વાયરની ચોરી કરી હતી અને ત્યારબાદ તેઓએ મશીનરી અને ડાયની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસ સમગ્ર મુદ્દે તપાસ ચલાવી રહી છે.

(4:46 pm IST)