Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ અલગ જગ્યાએ પોલીસે દરોડા પાડી 21 શકુનિઓની રંગેહાથે ધરપકડ કરી 1.25 લાખની રોકડ જપ્ત કરી

ગાંધીનગર: જિલ્લામાં શ્રાવણ મહિના પહેલા જ જાણે કે જુગારીઓ જુગારની નેટ પ્રેકટિસ કરી રહયા હોય તેમ ઠેકઠેકાણે જુગાર ધમધમી ઉઠયો છે. ત્યારે  પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમયાન રૃપાલ ગામે મહાદેવ કોમ્પ્લેક્ષના ધાબા ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડયો હતો અને અહીંથી રૃપાલ ગામમાં રહેતાં મૌલીક જશવંતભાઈ પટેલ, કનુભાઈ વિનોદભાઈ પટેલ, દર્શનભાઈ વિષ્ણુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ આત્મારામભાઈ પટેલ, નીતિનભાઈ અમરતભાઈ પટેલ, બંસીભાઈ વિષ્ણુભાઈ પટેલ, યોગેશભાઈ વિષ્ણુભાઈ પટેલ, વિકાસભાઈ બળદેવભાઈ પટેલ અને કૌશિકભાઈ બાબુલાલ મેવાડાને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૬૦૩૫૦ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ ઈન્ફોસીટી પોલીસે રાયસણ લીંબચ માતાજીના મંદિર પાસે દરોડો પાડીને રાયસણના દશરથ મંગાજી વણઝારા, આલમભાઈ માધાજી વણઝારા, વિજય નારણજી વણઝારા, હમીર અબાજી વણઝારા અને અમદાવાદ મણીનગરમાં રહેતા સલીમ સુભાનભાઈ કુરેશીને જુગાર રમતાં ઝડપી લઈ ૬૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો અડાલજ પોલીસની ટીમે ખોરજ ગામથી ત્રાગડ જતાં રોડ ઉપર બળીયાદેવના મંદિર પાસે દરોડો પાડીને હરેશ દીનેશચંદ્ર શાહ રહે.એમ ૬૦૨, આણંદ હાઈલાઈટ, વૈષ્ણોદેવી પાસે, અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રહે.૩૦૨ શ્રીકુંજ એલીગન્સ સોસાયટી સોલા, વિનોદ જીવરાજભાઈ ચોટલીયા રહે.એ ૧૬ દેવસીટી નીર્માણ ચાંદલોડીયા, ભરતભાઈ બબાભાઈ પ્રજાપતિ રહે.એ-૧ ચુનીલાલ પાર્ક વિજયનગર નારણપુરા અમદાવાદ, યોગેશ કુંવરજી ચોથાણી રહે.નાહોર રોડ મુલુંડ વેસ્ટ મુંબઈ, દીનેશ પ્રભુદાસ બ્રહ્મભટ્ટ રહે.જી-૧૩ સાયોનાસીટી વિ-૪ ઘાટલોડીયા અને હિરેન નવનીતભાઈ મહેતા રહે.પ/૪ર ગોપાલ ઈન્ટરસીટી થલતેજ અમદાવાદને જુગાર રમતાં ઝડપી પાડયા હતા.જેમની પાસેથી ૭૭૬૮૦ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોરોના કાળમાં એકઠા બદલ જુગાર રમવા બદલ આ જુગારીઓ સામે એપેડેમીક એકટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

(5:02 pm IST)