Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં દાહોદમાં તા.૩જીએ અન્નોત્સવ : વડાપ્રધાન મોદી ઇ-સંવાદ સાધશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં દાહોદના નવજીવન કોલેજના મેદાનમાં યોજાનારા કાર્યક્રમમાં લાભાર્થીઓને ફૂડબાસ્ટેક વિતરણ કરાશે

દાહોદ, તા. ૨ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે તા. ૩ ઓગસ્ટના રોજ અન્નોત્સવ દિનની રાજ્યવ્યાપી ઉજવણી દાહોદ જિલ્લામાંથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને લાભાર્થીઓ સાથે સંવાદ સાધશે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી મોદી રાજ્યના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.રપ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરાવશે.

સમગ્ર કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં દાહોદ નગરની નવજીવન કોલેજના મેદાનમાં સવારે ૧૧.૩૦ કલાકથી યોજાશે.

અહીંથી પણ લાભાર્થીઓને પુરવઠા વિભાગ દ્વારા ફૂડબાસ્ટેકનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ જિલ્લાના ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

દાહોદ જિલ્લાની પણ તમામ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી અન્નોત્સવ નિમિત્તે ગરીબ - અંત્યોદય પરિવારોને ૫ કિલો અનાજ કિટનું વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજાશે.

(6:24 pm IST)