Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

તા. ૦૨/૦૮/૨૦૨૨, મંગળવાર ના રોજથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૭.૩૦ કલાકે અને નર્મદા આરતી ૬.૪૫ કલાકે યોજાશે

અમદાવાદ :પ્રધાનમંત્રી મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓશ્રીના માર્ગદર્શનમાં જ શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકત પણે નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપીંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઇ શકે એ માટે   તા. ૦૨/૦૮/૨૦૨૨નાં રોજથી સાંજના ૮.૦૦ કલાકનાં બદલે ૦૭૩૦ કલાકથી લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો)શરૂ કરવામાં આવશે તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી સાંજે ૬.૪૫ કલાકથી શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, અત્રે લેસર શો માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે.લેસર શો (પ્રોજેક્શન મેપિંગ શો) જ્યારે સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે.
 પ્રવાસીઓ મહા આરતી માં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬  થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે.
મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવેલ છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને શુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોકત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.

(10:40 pm IST)