Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ડેડીયાપાડા ગ્રામ પંચાયત કર્મચારીની આત્મહત્યા પર રાજકારણ ગરમાયું : BTP અને BJP આમને સામને થતાં પોલીસે બંનેની ફરિયાદ નોંધી

ડેડીયાપાડામાં કોઈ પણ માથાકૂટ થાય તો BJP નો પહેલો ટાર્ગેટ ચૈતર વસાવા કેમ હોય છે..? શું ભાજપના સિનિયર નેતા BJP માં જોડવા મજબૂર કરી રહ્યા છે ? કે અન્ય કોઈ કારણ છે જેવી ચર્ચા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા શંકર સોનજી વસાવાએ અચાનક ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા રાજકારણ ગરમાયું છે,આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં ગુજરાત પ્રદેશ બી.ટી.પી કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવા વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે

.બીજી બાજુ મૃતકની પત્નીએ પોતાનાં પતિને આત્મહત્યા કરવા મજબૂર કરવા માટે ડેડીયાપાડા મહિલા સરપંચ ભાજપના જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા અને એમના પિતા દીવાલ વસાવા વિરૂદ્ધ આક્ષેપ લગાવ્યો છે. ત્યારે ડેડીયાપાડા પોલીસે પહેલા ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી પરંતુ જયારે મૃતકના પરિવાર તેમની પત્ની જાતે પોલીસ સ્ટેશન બહાર ધરણા કરી ભાજપના સભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરતા ડેડીયાપાડા પોલીસે સરપંચના પુત્ર અને જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા અને દીવાલ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 પરંતુ ડેડીયાપાડામાં કોઈ પણ માથાકૂટ થાય તો BJP નો પહેલો ટાર્ગેટ ચૈતર વસાવા કેમ હોય છે..? શું ભાજપના સિનિયર નેતા BJP માં જોડવા મજબૂર કરી રહ્યા છે ? કે પછી ચૈતર વસાવા ની ડેડીયાપાડા માં વધતી શાખ થી પોલીસ કેશ વધારી ફરી કોઈ એક્શન ની તૈયારી છે જેવી ચર્ચા હાલ ડેડીયાપાડા વિસ્તારમાં લોકોમાં ચાલી રહી છે.

ડેડીયાપાડામાં લગાવાયેલા રાજકીય પક્ષના ઝંડાઓ પંચાયતના આદેશથી ઉતારી લેવાયા હતા.આ આત્મહત્યા મામલે ડેડીયાપાડાના મહિલા સરપંચ વર્ષાબેન દેવજીભાઈ વસાવાએ આત્મહત્યા કરનાર શંકર સોનજી વસાવાને ઝંડીઓ ઉતારી લેવા બાબતે BTP ચૈતર વસાવાએ ધાક ધમકી આપતા એણે ગભરાઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમા નોંધાવી હતી.
 બીજે દિવસે મૃતકની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમા લેખીત ફરિયાદ આપી છે કે "મારા પતિને દીવાલ શેઠે પંચાયત કચેરીએ બોલાવ્યો હતો.પતિ ઘરે પરત મને જણાવ્યું કે મારી પાસે ખોટા કામો કરવાય છે, જો ના પાડીએ તો નોકરી માંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે, જેથી મારા પતિ ભારે માનસિક તાણમા રેહતા હતાં.27 મી તારીખે માનસિક તાણ અનુભવતા ડેડીયાપાડા પંચાયતના કર્મચારી શંકર વસાવાએ ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું જે ફરિયાદના આધારે જિલ્લા પંચાયત ના ભાજપના સદસ્ય હિતેશ વસાવા અને તેના પિતા દીવાલ વસાવા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે પણ હાલ મુશ્કેલીમાં મુકાઈ છે મહિલા સરપંચ ની ફરિયાદ સાચી કે મૃતક ની પત્ની ની ફરિયાદ સાચી જોકે પોલીસ તપાસ માં હકીકત બહાર આવશે.

(10:49 pm IST)