Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

અમદાવાદ - રાજકોટ સહિત રાજ્‍યમાં ચોરી, અપહરણ, હત્‍યા જેવી ઘટનાઓ વધી

લોકડાઉન હટયું અને ગુના વધ્‍યા ! કોરોના મહામારીને કારણે જ્‍યારે રાજ્‍યભરમાં લોકડાઉનની સ્‍થિતિ હતી ત્‍યારે ગુનાઓનું પ્રમાણ પણ ઘટયું હતું

નવી દિલ્‍હી તા. ૨ : ગુજરાત રાજયના તેમજ અમદાવાદ સહિતના મોટા શહેરોના ગુનાહિત પ્રવૃત્તિઓના આંકડા સામે આવ્‍યા છે. આ રિપોર્ટ અનુસાર, ગુજરાત રાજયની વાત કરીએ તો ગત વર્ષે જાન્‍યુઆરીથી જૂન મહિના સુધી જેટલી હત્‍યા થઈ હતી તેમાં એક ટકાનો ઘટાડો થયો છે. પરંતુ જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૧માં શહેરમાં કુલ ૪૪ હત્‍યાઓ નોંધાઈ હતી જે ૨૦૨૨માં વધીને ૪૮ થઈ ગઈ છે. ગુજરાત રાજયમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રથમ છ મહિનાઓ દરમિયાન હત્‍યાનો પ્રયાસ, લૂંટ વગેરે જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૨૧માં ૧૪ હત્‍યાના કેસ નોંધાયા હતા જેની સરખામણીમાં ૨૦૨૨માં અત્‍યાર સુધી ૨૪ કેસ નોંધાયા છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં વર્ષના શરૂઆતના મહિનાઓમાં હત્‍યાના પ્રયાસની ઘટનાઓ પણ વધી છે. સુરત સહિત ઉપરોક્‍ત ત્રણ શહેરોમાં આવા ૧૩૯ કેસ નોંધાયા છે જેની સંખ્‍યા વર્ષ ૨૦૨૧માં ૧૧૬ હતી. માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧માં જયારે મોટા ગુનાઓની સંખ્‍યા ૭૦૦૯ હતી ૨૦૨૨માં તે વધીને ૧૧૬૫૧ થઈ ગઈ છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજયમાં વિવિધ પ્રકારના ગુનાઓમાં સૌથી મોટો વધારો અપહરણના ગુનામાં જણાયો છે. વર્ષ ૨૦૨૧માં જયાં ૬૪૯ કેસ નોંધાયા હતા તે વધીને ૨૦૨૨માં ૯૩૩ થઈ ગયા છે. જો હત્‍યા અને હત્‍યાના પ્રયાસના ગુનાની વાત કરવામાં આવે તો, ઉચ્‍ચ પોલીસ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, મોટાભાગના કેસમાં પરિવારના સભ્‍યો જ તેની સાથે સંકળાયેલા હોય છે. કોરોના મહામારી પછી હત્‍યા અને હત્‍યાના પ્રયાસના ૧૫ ટકા કેસ એવા હોય છે જેમાં કારણ કોરોનાને કારણે ઉભી થયેલી નાણાંકીય કટોકટીની સ્‍થિતિ હોય છે.

એક ઉચ્‍ચ પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે, ૨૦૨૧માં લોકડાઉનની સ્‍થિતિ હતી અને કફર્યુ લાગુ કરવામાં આવ્‍યો હતો. નિયમોનું પાલન થાય તે સુનિતિ કરવા માટે સડકો પર પોલીસ હાજર હતી, માટે ક્રાઈમ રેટમાં પણ ઘટાડો નોંધાયો હતો. પણ ૨૦૨૧માં સ્‍થિતિ સામાન્‍ય થતાં જ ગુનેગારો પણ કાર્યરત થઈ ગયા હતા. પરંતુ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે. હત્‍યાના ઘણાં ઓછા કેસ એવા છે જેનું નિરાકરણ નથી આવ્‍યું.

નામ જાહેર ન કરવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે, અમે જોયું કે નજીવી બાબતે શરૂ થનારી લડાઈ મોટું રૂપ લઈ લેતી હોય છે. જેના કારણે ગુનાઓની સંખ્‍યા વધે છે. શાળા-કોલેજો શરૂ થઈ જતાં અપહરણના કેસ પણ વધ્‍યા છે. ખાસકરીને ૧૫થી ૧૮ વર્ષની ઉંમર ધરાવતી શાળા-કોલેજ જતી વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. અમદાવાદ પોલીસના જણાવ્‍યા અનુસાર, શહેરમાં કુલ ૧૧૬૫૧ મોટા ગુનાઓ નોંધાયા હતા જેમાંથી ૧૦૮૬૪ સોલ્‍વ થઈ ગયા છે.

ગંભીર અને મોટા ગુનાઓની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ૬૬ ટકા, છોટા ઉદેપુરમાં ૬૯ ટકા, જામનગરમાં ૨૯ ટકા, ગીર-સોમનાથમાં ૧૯ ટકા અને વડોદરા ગ્રામીણમાં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે. આ બાબતે ડીજીપી આશિષ ભાટિયા જણાવે છે કે, હજી સુધી મેં ડેટાનું વિશ્‍લેષણ નથી કર્યું. પણ વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ગુનાઓ વધ્‍યા છે. તે સમયે લોકડાઉન હતું અને લોકો ઘરમાં હતા. આ સિવાય પોલીસ ફોર્સ પણ મોટી સંખ્‍યામાં તૈનાત હતી.

(10:55 am IST)