Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં

નર્મદા ડેમની હાલની સપાટી ૧૩૨.૧૭ મીટરે પહોંચી ડેમ ઓવરફ્‌લો થવાથી હવે ૬.૫૧ મીટર દૂર :ગુજરાતમાં નહી રહે પીવાના પાણીની સમસ્‍યા

નર્મદા, તા.૨: આ વખતે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્‍યો છે.  દક્ષિણ ગુજરાત, કચ્‍છ અને સૌરાષ્‍ટ્ર સહિત મેઘો ધોધમાર વરસ્‍યો છે. નાના મોટા જળાશયો તથા ચેકડેમો પણ વરસાદી પાણીછી છલોછલ થઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જે જોતા કહી શકાય કે આગામી સમયમાં એટલેકે ઉનાળામાં પીવાના પાણીની કોઇ અછત સર્જાશે નહી. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ઓવરફ્‌લો થવાની તૈયારીમાં છે.
આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે.  પરિણામે હાલ ડેમની જળસપાટી ૧૩૨.૧૭ મીટરે પહોંચી છે. જ્‍યારે ડેમની ભયજનક સપાટી ૧૩૮.૬૮ મીટર છે. એટલે કે ડેમ ઓવરફ્‌લો થવામાં હવે માત્ર ૬.૫૧ મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી ૪૨ સેન્‍ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્‍વનું છે કે   આ પહેલા ૨૦૨૦માં નર્મદા ડેમ સંપૂર્ણ  ભરાયો હતો જ્‍યારે ગત વર્ષે ડેમની સપાટી ૧૩૫ મીટરે પહોંચી હતી.  
ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્‍યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્‍યારે અત્‍યાર સુધી રાજ્‍યમાં સિઝનનો ૭૦ ટકા વરસાદ નોંધાયો. રાજ્‍યના ૨૦૬માંથી ૩૪ ડેમ ઓવરફ્‌લો થયા. આ ડેમો છલોછલ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે.  સૌરાષ્‍ટ્રના ૧૩, કચ્‍છના ૧૩, દક્ષિણ ગુજરાતના ૭ જ્‍યારે મધ્‍ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્‌લો થયો.

 

(3:09 pm IST)