Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

નવસારીના જમાલપોર વિસ્‍તારની સર્વોદય સોસાયટીમાં રસ્‍તા પર બંધાયેલ ગેરકાયદેસર મંદિરમાં દબાણ તંત્ર દ્વારા હટાવાતા રાજકારણ ગરમાયુ

પોલીસ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરાયાનો આક્ષેપ

નવસારીઃ નવસારીના જમાલપોરની સર્વોદય સોસાયટીના રસ્‍તા પર બંધાયેલ ગેરકાયદેસર મંદિરના દબાણ બાબતે ભાજપ પ્રમુખે જણાવ્‍યુ કે, નારાજ કાર્યકરોને મનાવવાની ફોર્મ્‍યુલા પર કામ થઇ રહ્યુ છે. બહારના લોકો આવી શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયત્‍ન કરી રહ્યા છે. મંદિરનો મુદ્દો શાંતિથી ઉકેલાય એવા પ્રયાસો થઇ રહ્યા છે.

નવસારીના સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બનેલ મંદિરનું દબાણ તોડવાની ઘટના બાદ સોસાયટી સતત વિરોધ કાર્યક્રમ આપી રહી છે. જેમાં ગત રોજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મળી 1100 ભજપીઓએ સામુહિક રાજીનામા ધરી દીધા હતા. જે મુદ્દે આજે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને નવસારીના ધારાસભ્ય સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદ યોજી કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનું જણાવી સામુહિક રાજીનામાની વાત નકારી હતી. સાથે અન્ય પક્ષો રાજકીય રોટલો સેકતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા.

નવસારીના જમાલપોર વિસ્તારની સર્વોદય સોસાયટીમાં રસ્તા મુદ્દે બંધાયેલા ગેરકાયદેસર મંદિરના દબાણ નુડા દ્વારા હટાવવામાં આવ્યુ હતુ, જેમાં પોલીસ દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યાનો મુદ્દો રાજકીય રંગ પકડી ચુક્યો છે. જેમાં ગત રોજ સર્વોદય સોસાયટી સહિત જમાલપોરની અન્ય સોસાયટીના ભાજપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ 1100 સામુહિક રાજીનામા ઉગ્ર આક્રોશ સાથે ભાજપ પ્રમુખને ધર્યા હતા.

નવસારીમાં ભાજપીઓના સામુહિક રાજીનામા પડવાની ઘટના નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સુધી પહોંચી છે. ત્યારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રતિક્રિયા આપી છે. જેમાં રાજીનામાની વાત ખોટી ચેહ, ભાજપી કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનું જણાવી, રાજીનામા પડયા જ ન હોવાનો સૂર છેડયો છે.

સાથે જ પરિવારમાં વિખવાદ હોય, ત્યારે નારાજ કાર્યકરોને મનાવવાની ફોર્મ્યુલા પર કામ થઈ રહ્યું હોવાનો પણ અણસાર આપ્યો હતો. સાથે જ કોઈ પક્ષનું નામ લીધા વિના રાજકીય આક્ષેપ પણ કર્યા કે, બહારના લોકો આવી સંસ્કારી નગરીનું વાતાવરણ દહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભાજપનો પ્રાણ હિન્દુત્વ છે અને મંદિરનો મુદ્દો શાંતિથી ઉકેલાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર મંદિરના દબાણ હટાવવા મુદ્દે ભાજપી આગેવાનો નિષ્ક્રિય હતા. જ્યારે કોંગ્રેસ સહિત અન્ય પક્ષ સોસાયટીવાસીઓ સાથે બિનરાજકીય રીતે જોડાયા હોવાની વાત સાથે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. જેમાં ભાજપીઓએ આક્રોશ સાથે સામુહિક રાજીનામા ધરતા ભાજપ પણ સક્રિય થયુ છે અને મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

(4:48 pm IST)