Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ગાંધીનગરના સેક્ટર-9માં શોપિંગ સેન્ટર પાસેથી પોલીસે વિદેશી દારૂ વેંચતા બે શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં સેક્ટર-૯ શોપીંગ સેન્ટર પાસેથી પોલીસે વિદેશી દારૃ વેચતા સગીર અને યુવાનને ઝડપી લીધા બાદ તેમને દારૃ આપનાર સેક્ટર-૭ અને સે-૪ના યુવાનને દારૃ અને બિયર સાથે પકડીને ૨૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કેટલો દારૃ લવાયો હતો અને ક્યાં ક્યાં વેચાયો હતો તેની વિગતો પણ પોલીસ તપાસી રહી છે.

બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં હાલ દારૃની પ્રવૃત્તીને ડામવા માટે પોલીસ મથી રહી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર-૯માં શોપીંગ પાસે બે વ્યક્તિઓ દ્વારા વિદેશી દારૃ વેચવામાં આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે દરોડો પાડીને સેક્ટર-૮માં રહેતા એક સગીર તેમજ ઇન્દ્રોડા ગામમાં રહેતા પુષ્પરાજસિંહ માવસિંહ તવરને વિદેશી દારૃની બોટલ સાથે ઝડપી લેવાયા હતા. દારૃ સંદર્ભે પુછપરછ કરતા થોડા દિવસ અગાઉ અમદાવાદના વિક્રમસિંહ પાસેથી દારૃ મંગાવ્યો હતો અને ધવલ સોલંકી રહે.સેક્ટર-૭ને મુકવા આપવાનું કહ્યું હતું જેથી પોલીસને ધવલ ઉર્ફે રાવણ મણીભાઇ સોલંકી રહે. ૩૭-૩, સેક્ટર-૭ના ઘરે તપાસ કરતા તેણે આ જથ્થો સેક્ટર-૪સી પ્લોટ નં.૬૭૫-૨માં રહેતા રાહિલ રહિમભાઇ મનસુરીના ઘરે આપ્યો હોવાનું કહ્યું હતું જેથી પોલીસે તેના ઘરે તપાસ કરતા એક બિયરની પેટી અને એક વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ૨૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી ચારેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:54 pm IST)