Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ફેસબુક મારફતે સંપર્ક સાધી સુરતના વેપારી પાસેથી 17.50 લાખનો માલ ખરીદી છેતરપિંડી આચરનાર આસામના વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: ફેસબુક મારફતે સંપર્કમાં આવેલા રાજકોટના વેપારીએ આપેલા રેફરન્સના આધારે સુરતના સોપારીના હોલસેલ વેપારીએ આસામના વેપારી બંધુ અને ભાગીદાર પાસેથી સોપારી અને કાળા મરી ખરીદવા એડવાન્સ રૂ.75.12 લાખ આપ્યા હતા. જોકે, ત્રણેય માત્ર રૂ.17.50 લાખનો માલ મોકલી અને રૂ.2.50 લાખ પરત કરી બાકી માલ નહીં મોકલી ઘરેથી ફરાર થઈ જતા વેપારીએ ત્રણેય વિરુદ્ધ રૂ.55.12 લાખની ઠગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણાગામ રોડ અયોધ્યાનગર સોસાયટી મકાન નં.166 માં રહેતા 29 વર્ષીય ગીરીશભાઈ જીવનભાઈ ડોબરિયાએ વર્ષ 2021 માં પરવત પાટીયા રઘુવીર ટેક્ષટાઈલ મોલમાં સ્ટાર લાઈન એક્ષીમ નામે સોપારીનો હોલસેલમાં વેપાર શરૂ કર્યો હતો. વર્ષ અગાઉ ફેસબુક મારફતે તેમનો પરિચય રાજકોટમાં સોપારીનો વેપાર કરતા નિખીલ પટેલ સાથે થયો હતો અને તેની સાથે અવારનવાર ધંધાની વાત થતી હતી. ગીરીશભાઈએ તેને જથ્થાબંધ સોપારી ખરીદવા માટે પૂછતાં તેણે ઓળખીતા મુસ્તુફા કમલ મઝમુદાર ઉર્ફે અકરમ ( રહે.339, મઝમુદાર લાઈન, કનકપુર 2, રંગીરા ખારી, સીલચર, આસામ ) નો રેફરન્સ આપ્યો હતો. ગીરીશભાઈએ તેની સાથે ફોન પર વાત કરતા અકરમે સુરત આવે ત્યારે રૂબરૂ મળવા કહ્યું હતું. દશ દિવસ બાદ અકરમે ગીરીશભાઈને ફોન કરી પોતે અમદાવાદથી મુંબઈ જાય છે તો કડોદરા મળવા આવો તેમ કહેતા ત્યાં મળવા ગયા ત્યારે અકરમે પોતાનો સોપારી અને કાળા મરીનો વેપાર છે અને પેમેન્ટ એડવાન્સ લઈ ટ્રાન્સપોર્ટમાં માલ મોકલીશ તેવી વાત કરતા ગીરીશભાઈએ સપ્ટેમ્બર 2021 થી મે 2022 દરમિયાન ઓનલાઈન રૂ.56.12 લાખ અને રોકડા રૂ.17.50 લાખ અકરમના ઘરે ગયા હતા ત્યાં ચૂકવ્યા હતા. ગીરીશભાઈ આસામ ચારેક મહિના અવારનવાર જતા હતા તે દરમિયાન અકરમે પોતાનો ધંધો સંભાળતા ભાઈ મહેબુબુલ કમલ મઝમુદાર ઉર્ફે સમ્મી તેમજ ભાગીદાર અમઝદ હુસેન લશ્કર સાથે કરાવી હતી. તે અરસામાં અકરમે કુલ રૂ.73.62 લાખના એડવાન્સ પેમેન્ટની સામે રૂ.17.50 લાખનો માલ મોકલ્યો હતો. જયારે રૂ.2.50 લાખ પરત કર્યા હતા. 

(5:56 pm IST)