Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

વડોદરા:વારસિયા વિસ્તારમાં મોપેડની ડીકી ખોલી સોનાની બુટીઓની ચોરી કરનાર બે આરોપીને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: વારસિયામાં મોપેડની ડીકી ખોલીને સોનાની બુટ્ટીઓની ચોરી કરનાર બે  આરોપીઓને એલ.સી.બી.ટીમે ઝડપી પાડયા છે.બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે વારસિયા  પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

હરણી  રોડ પર રહેતા મીરાબેન લાલવાણી ગત તા.૨૮ મી જુલાઇએ સાંજે પુત્રી સાથે મોપેડ લઇને વારસિયા મોહન સ્ટોરની બાજુમાં આવેલી માતા  જ્વેલર્સ નામની દુકાનમાં સોનાની બુટ્ટી રીપેર કરાવવા ગયા હતા.તે બુટ્ટી તથા તેમની પુત્રીએ પહેરેલી બુટ્ટી ડીકીમાં મૂકીને તેઓ પોપ્યુલર બેકરીની બાજુમાં આવેલા સાંઇબાબાના મંદિરે  દર્શન કરવા ગયા હતા.તે સમયે તેમના મોપેડની ડીકી ડૂપ્લિકેટ ચાવીથી ખોલીને કોઇ ચોર સોનાની બુટ્ટીઓ ચોરી ગયો હતો.જે અંગે વારસિયા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.દરમિયાન, ડીસીપી ઝોન - ૪ પન્ના મોમાયાની એલ.સી.બી.ની ટીમને માહિતી મળી  હતી કે,એક કાળા રંગના સ્કૂટર લઇને ગની ઉર્ફે એરટેલ તથા વસીમ પઠાણ સોનાની બુટ્ટીઓ વેચવા માટે ફરી રહ્યા છે.અને હાલમાં મંગલેશ્વર ઝાંપા ફતેપુરા પાસે ઉભા છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને બંને આરોપીઓને કોર્ડન કરીને પકડી લીધા હતા.પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી  હતી કે,ત્રણ દિવસ પહેલા વારસિયા સાંઇબાબાના મંદિર પાસે રોડ પર પાર્ક કરેલા સ્કૂટરની ડીકી તોડીને સોનાની બે બુટ્ટીઓની ચોરી  કરી હતી.જેથી,પોલીસે ગની ઉર્ફે એરટેલ ઉસ્માનભાઇ શેખ (રહે.ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી, હાથીખાના) તથા વસીમખાન યુસુફખાન પઠાણ (રહે.કાસમઆલા કબ્રસ્તાન કારેલીબાગ) ની અટકાયત કરી વારસિયા  પોલીસને સોંપી દીધા હતા.

(5:56 pm IST)