Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

હર ઘર તિરંગા : આજે 2 ઑગસ્ટે પિંગલી વેંકૈયાનો જન્મ દિવસ છે. તાજેતરમાં મન કી બાતમાં વડાપ્રધાનએ પણ તિરંગાના સર્જકને સ્મરણાંજલિ અર્પી હતી

યુનિયન ઝેક લહેરાતો જોઈને સમસમી ઊઠેલા પિંગલી વેંકૈયાને ભારતનો પણ ધ્વજ હોવો જ જોઈએ, એવો વિચાર જાગ્યો અને તિરંગાની ડિઝાઇન તૈયાર કરી : પિંગલી વેંકૈયા ‘ઝંડા વેંકૈયા’, ‘ડાયમંડ વેંકૈયા’ અને ‘કોટન વેંકૈયા’ તરીકે પણ કેમ જાણીતા છે, આવો જાણીએ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં ઉમંગભેર ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દેશના દરેક ઘર-મકાન પર 13થી 15 ઑગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવવામાં આવનાર છે.
    પોતાના ઘર પર તિરંગો લહેરાવવા ઉત્સુક દરેક વ્યક્તિએ આજે એક વિશિષ્ટ રાષ્ટ્રપ્રેમીને અચૂક યાદ કરવા પડે, એ વ્યક્તિ એટલે પિંગલી વેંકૈયા. આ નામ અજાણ્યું લાગશે, પરંતુ તિરંગાની વાત થતી હોય ત્યારે તેમને અચૂક યાદ કરવા જ પડે, કારણ કે આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાના તેઓ મૂળ સર્જક છે. તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તિરંગાના સર્જક તરીકે પિંગલી વેંકૈયાને યાદ કરીને સ્મરણાંજલિ અર્પી હતી.
    પિંગલી વેંકૈયાજીને યાદ કરવાનું આજે બીજું વિશેષ કારણ એ છે કે આજે તેમનો જન્મ દિવસ પણ છે. પિંગલી વેંકૈયાનો જન્મ 2 ઑગસ્ટ, 1876ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતાનું નામ વેંકટરત્નમ્મા હતું.
    પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પછી વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતાં તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો-બોઅર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું નક્કી કર્યું. લાહોરની એંગ્લો-વેદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયા હતા.
    1906માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને વેંકૈયા બહુ વ્યથિત થયા હતા. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. 1916માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે 30 નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. પાંચેક વર્ષના સમયગાળામાં પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને 1921માં વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસના કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી, સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને 1931માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને 22 જુલાઈ, 1947ના રોજ તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.
    જીવનનાં આખરી વર્ષો ગરીબીમાં વિતાવનારા પિંગલી વેંકૈયાનું નિધન 4 જુલાઈ, 1963ના રોજ થયું હતું. ભારતને તિરંગાની ભેટ આપનારા પિંગલી વેંકૈયા પણ ભુલાઈ ગયા હતા. તેમના મૃત્યુનાં પૂરાં 46 વર્ષ પછી છેક ઓગસ્ટ-2009માં સરકારે તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી.
   અહીં ખાસ નોંધવા જેવું છે કે પિંગલી વેંકૈયા બહુઆયામી પ્રતિભા ધરાવતા હતા. ‘ઝંડા વેંકૈયા’ તરીકે જાણીતા પિંગલી વેંકૈયાને હીરાની ખાણો વિશે એટલું જ્ઞાન હતું કે તેઓ 'ડાયમંડ વેંકૈયા' તરીકે પણ ઓળખાતા હતા.  કૃષિપેદાશના સંશોધનમાં પણ તેમનું મોટું યોગદાન હતું અને કપાસની એક જાત શોધી હોવાથી તેમને 'પત્તી વેંકૈયા' (કોટન વેંકૈયા) એવું નામ પણ મળ્યું હતું. તેમણે મછલીપટ્ટનમમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપીને કેળવણીકાર તરીકે પણ નામના મેળવી હતી. તેમના વિશે બહુ ઓછી વિગતો જાણીતી છે, બાકી તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજની પેઢીને પ્રેરણા પૂરી પાડે એવું છે.
  ખેર, આજે તેમના જન્મ દિવસે સંકલ્પ લઈએ કે આપણા ઘરે તિરંગો લહેરાવીએ ત્યારે પિંગલી વેંકૈયાનું સ્મરણ પણ કરીશું.
(માહિતી સૌજન્ય : દિવ્યેશ વ્યાસ)

(6:57 pm IST)