Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

તા.૧૫મી ઓગષ્ટ સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઈલ(DP)માં રાષ્ટ્રધ્વજનો ફોટો રાખવા સૌ નાગરિકોને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની અપીલ

ગાંધીનગરના શાહપુર ગામે આદર્શ પ્રાથમિક શાળા ખાતે જાહેર વ્યાખ્યાન તેમજ ભારત માતા આરતી-પૂજન કાર્યક્રમ યોજાયો: તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સૌ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવી માતૃભૂમિનો ઋણ અદા કરે:રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યની ૩૧ હજાર શાળાઓમાં ભારત માતાની પૂજા અને વ્યાખ્યાનમાળાના કાર્યક્રમોનું કરાયેલુ આયોજન ગૌરવપૂર્ણ

ગાંધીનગર :શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આગામી ૧૫મી ઓગષ્ટ સુધી દેશની આન, બાન અને શાન એવા આપણા રાષ્ટ્રધ્વજનો ફોટો સૌ નાગરિકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિસ્પ્લે પ્રોફાઈલ (ડીપી)માં રાખે તેવી અપીલ કરી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન ગાંધીનગર જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગરના શાહપુર ગામે સ્થિત આદર્શ પ્રાથમિક શાળા ખાતે આજે જાહેર વ્યાખ્યાન તેમજ ભારત માતા આરતી-પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શાળાના બાળકો સાથે સંવાદ કરી આયોજકોને આ પ્રકારે નાગરિકોમાં દેશભક્તિનો ભાવ પ્રજ્વલિત કરતા કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આપણા દેશને આઝાદ કરાવવા માટે અનેક શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે. શહીદોની આ શાહદત દેશના નાગરિકો ક્યારેય ભૂલશે નહીં. વડાપ્રધાન મોદીએ આઝાદીના ૭૫માં વર્ષને સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવવાનો નિર્ણય લીધો છે જેનાથી આવનારી પેઢીને પણ આ વીર શહીદ સપૂતો સ્મરણમાં રહેશે. આ કાર્યક્રમોમાં સહભાગી થવાની તક એ આપણા સૌ માટે “માં ભારતી” પ્રત્યે ઋણ અદા કરવાની તક છે. આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સૌ નાગરિકો પોતાના ઘરે તિરંગો લહેરાવે અને માતૃભૂમિનો ઋણ અદા કરે.
મંત્રીએ કહ્યું કે, અત્યારે દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી થઈ રહી છે, આઝાદીના ૧૦૦માં વર્ષની ઉજવણી થતી હશે ત્યારે આપણો દેશ વિશ્વગુરુના સ્થાને હોય તેવા નક્કર આયોજનો દેશના વડાપ્રધાન મોદી દ્વારા થઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યના નાગરિકો આ વર્ષના આઝાદી પર્વની ઉજવણી માટે થનગની રહ્યા છે. રાજયભરમાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યની શાળાઓ સાથે મળીને ભારત માતાની પૂજા અને વ્યાખ્યાનમાળાના કાર્યક્રમોનું આયોજીત થયા છે. રાજ્યની ૩૧ હજાર શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પુર્વ ચેરમેન હસમુખ જોષી, ગામના સરપંચ સહિત આગેવાનો, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા

(7:24 pm IST)