Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

2024 સુધીમાં અમદાવાદ-મુંબઈ સુપર એક્સપ્રેસ-વે તૈયાર થઈ જશે ! : 70% જેટલી કામગીરી પૂર્ણ

એક્સપ્રેસ હાઇવેથી ગુજરાતના આર્થિક પાટનગર અને દેશની આર્થિક રાજધાની વચ્ચેની કનેક્ટિવિટી વધશે, મુસાફરીનું અંતર અને સમય ઘટી જશે

અમદાવાદ તા.02 : રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ પ્રવાસ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં 33 જેટલી રોડસાઇડ સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને દિલ્હી-અમદાવાદ-મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે બની રહ્યો છે. આ હાઇવે પર મોટેલ, હેલિપેડ, પેટ્રોલપંપ, ઇ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સહિતની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી હશે.

તમે કહેશો કે આ એક સપના જેવું હશે, પરંતુ ગુજરાતીઓ માટે આ સપનું 2024 સુધીમાં તો હકીકત બનીને સાકાર થઇ જશે. આની કામગીરી 70% જેટલી પૂર્ણ પણ થઇ ગઇ છે. એક્સપ્રેસ હાઇવેથી ગુજરાતના આર્થિક પાટનગર અને દેશની આર્થિક રાજધાની વચ્ચેની કનેક્ટિવિટી વધશે, મુસાફરીનું અંતરને સમય ખૂબ જ ઘટી જશે. ડાયમંડ સિટી સુરતથી માત્ર 3 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે.

કેન્દ્ર સરકારના ભારત માલા પ્રોજેક્ટ હેઠળ હાલ દિલ્હી-મુંબઇ 8 લેન એક્સપ્રેસ-વે બની રહ્યો છે. વડોદરાથી પસાર થઇ રહેલા નવા એક્સપ્રેસ વેની કામગીરી હાલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર આણંદ અને વડોદરાની વચ્ચે પહોંચી છે. અહીં વિશ્રામગૃહ પાસે ઇન્ટરચેન્જ પડશે. અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને મુંબઇ તરફ વળવાનાં મોટાં બોર્ડ પણ નજરે પડી રહ્યાં છે.

(9:19 pm IST)