Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમદાવાદમાં ચાર સ્થાળોએથી કોરોનાના 187 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

પીએસપી કોલોનીમાં 125 કેસો પોઝીટીવ મળ્યા:યુપીથી રોજગારી અર્થે આવેલા મજૂર વર્ગમાં ફફડાટ : ટેસ્ટિંગ તથા ચેકપોસ્ટના દાવાની પોલ ખુલી

અમદાવાદ: શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ચાર સ્થળોએ ટેસ્ટીંગ કરવામાં આવતાં 187 કેસોનો ઘટસ્ફોટ થતાં હેલ્થ વિભાગના અધિકારી સહિત કર્મચારીઓમાં દોડધામ મચી હતી.

 ગઇકાલે સોમવારે આસોપાલવ બે શો રૂમમાં ટેસ્ટીંગ કરતા નવ પોઝીટીવ કેસો આવ્યા હતા. આમ એક પછી એક યુનિટમાં ટેસ્ટીંગ કરતાં ધડાધડ કેસો બહાર આવી રહ્યાં છે. આવા હજુ ટેસ્ટ થશે તો કેટલાં લોકો બહાર આવશે તે એક ઉકેલ માંગતા કોયડા સમાન છે. આ લોકો અત્યારસુધી વસ્તીમાં ફરતા હોવાથી કેટલાં લોકોને ચેપ લાગ્યો હશે તે તો સમય જ કહેશે. પરંતુ ઉપરાઉપરી કોરોના પોઝીટીવના બલ્કમાં કેસો બહાર આવતાં કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. .મોટા પ્રમાણમાં કોરોના પોઝીટીવ કેસો મળી આવતાં આસપાસના લોકોમાં ભય અને ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

અમદાવાદના તમામ સાતેય ઝોનમાં કોર્પોરેશને હવે ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે જ આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના સિંધુ ભવન રોડ પર અંબુજા હાઉસના કર્મચારીઓની કોરોના ટેસ્ટિંગની કામગીરી કરી હતી. જેમાં 132માંથી 22 કર્મચારીઓ કોરોના પોઝીટીવ મળી આવ્યા છે.

ઉપરાંત વસ્ત્રાપુરમાં જીએમડીસી ગ્રાઉન્ડ પાસે આવેલી પી.એસ.પી. કોલોનીમાં મોટાભાગે ઉત્તરપ્રદેશથી રોજગારી અર્થે આવી વસવાટ કરતાં મજૂર વર્ગના પરપ્રાંતિય વ્યક્તિઓના ટેસ્ટ થયા. જેમાં 750માંથી 125 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા છે. આમ બે યુનિટમાં આજે તપાસ દરમિયાન કુલ 145 કોરોના પોઝીટીવ કેસો મળી આવતાં ચકચાર મચી જવા પામ્યો હતો.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા પેલેડીયમ મોલના 175 કર્મચારીઓના ટેસ્ટીંગ કરતાં 30 અને બોડકદેવ ખાતે આવેલી ખાનગી કચેરી આઇસીટી નર્મદાના કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરવામાં આવતાં અંદાજીત 150 કર્મચારીઓમાંથી 12 કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા. આમ માત્ર ચાર યુનિટમાં આજે તપાસ દરમિયાન 187 કોરોના પોઝીટીવ કેસો મળી આવતાં ચકચાર મચી જવા પામ્યો હતો.

કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોને મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર આપી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેમ કોર્પોરેશને જણાવ્યું છે

.ફર્મનું નામ 

કેટલાં ટેસ્ટ

કેટલાં પોઝીટીવ

 

 

 

પીએસપી

750

125

અંબુજા હાઉસ

132

22

પેલેડીયમ મોલ

175

30

આઇસીટી

150

12

પીએસપી પ્રોજેક્ટ લીમીટેડ કે જે કન્ટ્રકશનના કામો કરે છે. હાલ આઇ.આઇ.એમ.માં બિલ્ડીંગ બનાવી રહ્યું છે. તેને તેના મજૂરો માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં જગ્યા ભાડે રાખીને મજુરો માટે કોલોની બનાવી છે. આ કોલોનીમાં ટેસ્ટિંગ દરમિયાન કોરોના પોઝિટિવકેસો મોટા પ્રમાણમાં પ્રકાશમાં આવતાં સૈ કોઇ ચોંકી ગયા છે. આ જ કોલોનીમાં રહેતા મજુરો ઉત્તરપ્રદેશના વતની છે. આ મજૂરોએ લોકડાઉન વખતે વતન જવા માટે રોડ પર આવી ગયા હતા. અને પથ્થરમારો કર્યો હતો. આ મજુરો પરત ફર્યા હોવા છતાં તેમના ટેસ્ટિંગ અમદાવાદમાં પ્રવેશતી વખતે કે કોલોનીમાં વસવાટ કરવા લાગ્યા ત્યાં સુધી કોરોના ટેસ્ટ થયા ન હતા.

(11:41 pm IST)