Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કાલે પાટણ આવતા પ્રદેશ ભાજપ અધ્યક્ષનું રેલી સાથે અભિવાદન કરાશે

માસ્ક, સેનેટાઇઝ અને ઉકાળાથી તુલાવિધી કરી તેનું શ્રમજીવીઓમાં વિતરણ કરાશે

(નિ.ન્યુ.સ.) પાટણ તા.રઃ ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આગામી ૩ અને ૪ સપ્ટેમ્બરે પાટણ ખાતે આવનાર હોઇ તેઓના અભિવાદન કાર્યક્રમની રૂપરેખા આપવાના સંદર્ભે જીલ્લા ભાજપ પ્રભારીના અધ્યક્ષસ્થાને ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી.

જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે માહિતી આપતા જીલ્લા ભાજપ પ્રભારી મયંક નાયકે જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અંબાજી મંદિરના દર્શન કરી ઉત્તર ગુજરાતના પ્રવાસનો પ્રારંભ કરશે. ૩ સપ્ટે.ના રોજ સાંજે સરસ્વતી તાલુકાના કોઇટા ગામે આવી પહોંચશે જયાં તેઓનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ પાટણના શિહોરી ત્રણ રસ્તાથી રેલી યોજાશે જેમાં કાર અને બાઇકસવારો આ રેલીમાં જોડાશે. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે જયાં ભાજપના કાર્યકરો અને વિવિધ સમાજના લોકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવશે. સાંજે ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે સામાજીક, ધાર્મિક, સહકારી અને વેપારી આગેવાનો તેમજ જીલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે.તા.૪ સપ્ટે.ના રોજ સવારે વીરમાયા સ્મારક અને વર્લ્ડ હેરીટેજ રાણીની વાવની મુલાકાત, વીરમાયા સ્મારકની મુલાકાત લઇ ત્યારબાદ વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ નીહાળશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ નગરદેવી શ્રીકાલીકા માતાના મંદિરે જઇ પુજાઅર્ચના કરી દર્શન કર્યા બાદ ઉંઝા જવા પ્રસ્થાન કરશે.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં લઇ પ્રજાની સુખાકારી માટે આવશ્યક એવા માસ્ક, સેનેટાઇઝ અને ઉકાળાથી તેઓની તુલાવિધી કરી તેનું શ્રમજીવીઓમાં વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મયંક નાયક,  જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, રીન્કુ પટેલ, ભાવેશ પટેલ,  જયેશ દરજી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

(11:23 am IST)