Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મીડિયા માટે ભાજપ નવા 'ચહેરા' તૈયાર કરશેઃ ફળતા-નડતા મુદ્દાઓની તૈયારી

પાર્ટી નક્કી કરે તે જ આગેવાન ટીવી ચર્ચામાં જઇ શકશેઃ વિષયના પ્રભુત્વ મુજબ અલગ-અલગને તક : વિપક્ષને જડબાતોડ જવાબ મળે અને લોકોને ગળે ઉતરે તેવી રજુઆત માટે માહિતી ભેગી કરવામાં સરકાર સહયોગ આપશેઃ પાટીલે 'પાઠ' ભણાવ્યા

રાજકોટ, તા., રઃ ગુજરાતમાં ભાજપ દ્વારા મીડીયા ક્ષેત્રની કામગીરીને વધુ પ્રભાવક બનાવવા માટે ગઇકાલે ગાંધીનગરમાં કમલમ  ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં  મીડીયા સેલની બેઠક મળેલ. જેમાં રાજયમાંથી પસંદગીના ૯૦ જેટલા આગેવાનોને બોલાવી ચર્ચા કરવામાં આવેલ. પ્રદેશ પ્રમુખના અભિગમ મુજબ ભાજપ મીડીયા ક્ષેત્રે ધરખમ ફેરફારો લાવવા માંગે છે. હાલના કેટલાક ચહેરાઓ ઉપરાંત નવા ચહેરાઓ તૈયાર કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ટીવી ચેનલોની લાઇવ ડીબેટ માટે વિષયવાર નવા ચહેરાઓ તૈયાર કરવાનું નક્કી થયું છે.

ટુંક સમયમાં ૮ વિધાનસભાની બેઠકોની પેટાચુંટણી તેમજ ૬ કોર્પોરેશનો અને મોટા ભાગની તાલુકા જિલ્લા પંચાયતોની ચુંટણી આવી રહી છે. તેને અનુલક્ષીને મીડીયા ટીમને સજ્જ બનાવવા માટે પાર્ટીએ પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસ સહીતના વિપક્ષોના આક્રમણના સંભવિત મુદાઓનો અંદાજ લગાવી તેના રાજકીય અને વહીવટી રીતે જવાબ આપવા માટે અત્યારથી જ તૈયારી કરવા જણાવાયું છે. ભાજપના આગેવાનોને પોતાની દલીલ પ્રભાવક બનાવવા માટે અને સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે જરૂરી આંકડાકીય અને વિકાસની માહીતી સરકારમાંથી ત્વરીત મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

હાલ ભાજપમાં અમુક નિશ્ચિત આગેવાનો જ ટીવી ડીબેટમાં ભાગ લ્યે છે તેના બદલે તે ઉપરાંત નવા ચહેરાઓ તૈયાર કરવા પ્રદેશ પ્રમુખે સુચના આપી છે. મીડીયા ક્ષેત્રના જે આગેવાનને જે વિષયની રૂચી કે અભ્યાસ હોય તેને તે વિષયની ચર્ચામાં ભાગ લેવા પ્રાધાન્ય અપાશે. ઝોનવાઇઝ એક-એક આગેવાનને મીડીયા સેલની ખાસ જવાબદારી સોંપાશે. પાર્ટીની મંજુરી વગર કોઇ કાર્યકર ટીવી ડીબેટમાં ભાગ ન લ્યે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમય સંજોગો મુજબ જુદા-જુદા આગેવાનોને ચર્ચામાં ભાગ લેવાની તક આપી તેની કામગીરીની દર બે-ત્રણ મહીને સમીક્ષા કરવામાં આવશે. આવનારા દિવસોમાં કોંગ્રેસ સહીતના વિપક્ષો દ્વારા ભાજપ અને સરકાર સામે જે મુદા ઉઠવાની સંભાવના છે તેનો અત્યારથી જ અભ્યાસ કરી અસરકારક જવાબ આપવા માટે મીડીયા ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. મીડીયા ટીમમાં મોટા ફેરફારો તોળાઇ રહયા છે. વર્ષોથી ચાલતી આવતી રાબેતા મુજબની કામગીરી ચાલુ રાખવાના બદલે નવા પ્રદેશ પ્રમુખ ટેકનોલોજીનો ઉપયોગ કરી મીડીયા ટીમને સમયની માંગ મુજબ સજ્જ કરવા માંગે છે.

ગઇકાલની બેઠકમાં પ્રદેશ મીડીયા સેલના સંયોજક પ્રશાંત વાળાએ સ્વાગત પ્રવચન કરેલ. સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ઉપરાંત આઇ.કે.જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, ભાર્ગવ ભટ્ટ, મહેશ કસવાલા સૌરાષ્ટ્રમાંથી ધનસુખ ભંડેરી, પ્રદીપ ખીમાણી, રાજુ ધ્રુવ, ભરત બોઘરા, જયેશ વ્યાસ વગેરેએ ભાગ લીધો હતો.

(11:38 am IST)