Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જાહેરમાં હત્યા કરનાર આરોપીઓને ગણત્રીની કલાકોમાં ઝડપી લેવાયા

સુરતમાં અંધારી આલમની કેડ ભાંગી નાખવાનો અજયકુમાર તોમરનો જંગ આગળ વધ્યો : પીઆઇ એચ.એમ.ચૌહાણ ટીમે ચેલેન્જ સફળતાપુર્વક પાર પાડી

રાજકોટ, તા., ૨: સુરતમાં અંધારી આલમની કેડ ભાંગી નાખવા વિવિધ ગેંગો  અને અપરાધીઓ પર જબરજસ્ત ધાક બેસાડવા માટે ચાલતા જંગમાં સુરતના ડીંડોલી ખાતે થયેલ હત્યાના આરોપીઓને તાત્કાલીક શોધી કાઢી પોલીસની તાકાત દેખાડવા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે આપેલ ચેલેન્જ ઝીલી લઇ હત્યાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને તાકીદે ઝડપી લેવામાં આવ્યા છે.

ફરીયાદી નિતેષ ઉર્ફે ટીકાના મિત્ર ધીરજ વાણીના પિતાશ્રી પ્રકાશ વાણી સાથે ફરીયાદીના બનેવી અજય પટેલને પૈસાની લેતી-દેતીમાં ઝઘડો થતા અજય પટેલે પ્રકાશ વાણીને માર મારેલો. આ મારનો બદલો લેવા પ્રકાશ વાણીના પુત્ર ધીરજ તથા તેના મિત્રો અમોલ અને વાલ્મીકે ભેગા થઇ ડીંડોલી  સાંઇ એવન્યુ નાકા પાસે અજય પટેલને ચપ્પુના આડેધડ ઘા મારી હત્યા કરી નાખી હતી.

હત્યાના આરોપીઓને શોધવા ટીંટોડી પોલીસ મથકના પીઆઇ એચ.એમ.ચૌહાણ તથા સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી ધમધમાટ શરૂ કરતા હેડ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ, પોલીસમેન સંતોષ પાટીલ તથા મયુરધ્વજસિંહની બાતમી આધારે મુખ્ય આરોપી ધીરજ પ્રકાશ વાણી તથા અન્ય તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. આમ  પીઆઇ એચ.એમ.ચૌહાણ ટીમને સફળતા મળતા સંયુકત પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી માલ તથા ડીસીપી, એસીપી વિગેરે દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

(12:09 pm IST)