Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભારત સરકાર દ્વારા નશામુકત ભારત અભિયાન માટે ગુજરાતના ૮ જિલ્લાની પસંદગી : રાજકોટનો પણ સમાવેશ

અમલીકરણ માટે રાજકોટમાં ડિસ્ટ્રીકટ લેવલ નશામુકત કેમ્પેઇન કમિટીની તાકીદની બેઠક

રાજકોટ તા. ર : ભારત સરકારના 'નશામુકત ભારત' અભિયાનના અમલીકરણ માટે રાજકોટમાં 'ડિસ્ટ્રીકટ લેવલ નશામુકત કેમ્પેઇન કમિટી' ની બેઠક નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. 

નિવાસી અધિક કલેકટરશ્રી જણાવ્યુ હતું કે આપણા સૌની સામાજિક જવાબદારી છે કે આપણો સમાજ વ્યસન મુકત બને. આપણી શાળા-કોલેજની આજુબાજુ કયાય જ  પાન, ગુટખા સિગારેટનું વેચાણ થવું જોઇએ નહી. અનેક લોકો દારૂ, પાન, સિગારેટ ગુટખા, ડ્રગ્સ સહિતના વ્યસનોના રવાડે ચડી જીવન બગાડે છે. તેમના કારણે તેમના પરિવારજનોને પણ ખૂબ દુઃખદાયક પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. ત્યારે આવા વ્યસની લોકોને વ્યસન મુકત કરવાના આપણા સ્તરે તમામ પ્રયાસો થવા જોઇએ. વિદ્યાર્થીઓ-શિક્ષકો માટે જન જાગૃતિનો પ્રચાર પ્રસાર થવો જોઇએ.

રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ ના સ્વાતંત્ર્ય પર્વથી 'નશામુકત ભારત' અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સૌ સરકારી સ્તરે કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને વ્યસન મુકિતના 'નશામુકત ભારત' અભિયાનના અમલીકરણ માટે કાર્યરત બને તેવી અપીલ કરાઇ હતી.

સોશ્યિલ મિડિયાના વેબિનાર, ફેસબુક સહિતના માધ્યમ દ્વારા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિતના જે લોકોને વ્યસન છે તેઓને વ્યસન છોડાવવા માટે જનજાગૃતિનું કાર્ય કરીએ. તેમ શ્રી પંડયાએ ઉમેર્યું હતું.

ભારત સરકાર દ્વારા 'નશામુકત ભારત' અભિયાન માટે  દેશના ૨૭૨ જિલ્લા અને ગુજરાતના ૮ જિલ્લાની પસંદગી થઇ છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થયો છે. ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ થી શરૂ થઇ ચૂકયુ છે જે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ચાલશે. તેમ સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીર ગોસ્વામીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે 'નશામુકત ભારત' અભિયાન માટેની યોજનાકીય જાણકારી રજૂ કરાઇ હતી. તેમજ આ 'નશામુકત ભારત' અભિયાનના કેમ્પેઇનની રાજકોટની જિલ્લા કક્ષાની કમીટીની રચના કરાઇ હતી. તથા અમલીકરણ ખાતાઓ સબંધિત કાર્યવાહીની જાણકારી અપાઇ હતી.

આ કમીટીના અધ્યક્ષ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન છે. આ અભિયાનમાં અવેરનેસ કાર્યક્રમો કરવા, ડ્રગ્સ પીડીતોની ઓળખ કરી તેમને કાઉન્સેલીંગ સેન્ટરમાં રીફર કરવા સહિતના કાર્યોની રૂપરેખા રજૂ કરાઇ હતી.

આ બેઠકનું સંચાલન પ્રોબેશન ઓફિસરશ્રી એમ.પી.પંડિતે કર્યું હતું. આ તકે વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:54 pm IST)