Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ખેતીને ૩૩%થી વધુ નુકશાન હોય તો સરકારી સહાય

વધુ પડતા વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિમંત્રી આર.સી. ફળદુની જાહેરાત : ૧પ દિ'માં સર્વે

રાજકોટ, તા., ૨: આજે ગાંધીનગરમાં  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબીનેટ બેઠકમાં વધુ પડતા વરસાદથી  અસરગ્રસ્ત ખેડુતોને સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલ. જે ખેતરોમાં વાવેતરને ૩૩ ટકાથી વધુ નુકશાન હોય ત્યાં સરકાર વળતર આપશે. સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં કપાસ મગફળી તલી વગેરે પાકને નોંધપાત્ર નુકશાન થયું છે.  ખેડુતોને સહાય ચુકવવાના નિર્ણયની જાહેરાત કૃષિમંત્રી આર.સી.ફળદુએ કરી છે.

રાજયમાં ઉતરાર્ધમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. સેંકડો ખેડુતોના વાવેતરને નુકશાન ગયું છે. ખેડુતોએ સહાય ચુકવવા માટે માંગણી કરેલ આજે કેબીનટ બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારે મહેસુલ અને કૃષિ વિભાગ દ્વારા ૧પ દિવસમાં નુકશાનીનો સર્વે પુરો કરવાની સુચના આપી છે. સરકારી કર્મચારીઓ ખેતરે-ખેતરે જઇને નુકશાનીની માહીતી મેળવી સરકારને અહેવાલ આપશે. તેના આધારે સરકાર સહાય ચુકવશે.સહાયનું ધોરણ આજે જાહેર કરાયું નથી પરંતુ ખેડુતોને  ૩૩ ટકાથી વધુ નુકશાન થયું હોય તો સરકારી વળતર મળવાપાત્ર થશે. સરકારે જાહેર કરેલી કિશાન સહાય યોજના હેઠળ લગભગ કોઇ જિલ્લામાં હાલ સહાય મળવા પાત્ર નથી પરંતુ સરકાર કુદરતી આફતના ધારા ધોરણ અનુસાર વળતર ચુકવવા માંગે છે. સરકારનો નિર્ણય લાખો ખેડુતો માટે રાહતરૂપ બનશે.

(3:17 pm IST)