Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

Unlock-4 ગાઈડલાઈનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળોઃ રાજકીય પક્ષો એકિટવ

ગુજરાતમાં નવેમ્બર માસમાં ૬ મહાનગરપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે

નવી દિલ્હી, તા.૨: ગુજરાત સરકારે અનલોક ૪ ની ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડ લાઇન અનુસાર ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રાજયના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે અનલોક-૪ની ગાઈડલાઈન બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ નગરપાલિકા, મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા રાજય ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી છે.

ગુજરાતમાં નવેમ્બર માસમાં ૬ મહાનગરપાલિકા, ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે રાજય ચૂંટણી પંચે તો ચૂંટણી યોજવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં ચૂંટણી પંચે સિમાંનકને લઈ વોર્ડની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આગામી ચારેક દિવસમાં જ જાહેરનામું પ્રસિદ્ઘ થશે. ત્યારે બાદ રાજકીય પક્ષ કે સામાજીક આગેવાનોને જો કોઈ વાંધો હોય તે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરી શકશે. કોરોનાની આ મહામારીના કારણે રાજય ચૂંટણીપંચ ચૂંટણી પ્રક્રિયામાં દ્યણા ફેરફાર કરી શકે તેવી શકયતા છે. જેના ભાગરૂપે મતદાનના સમયમાં બે કલાકનો સમય વધારે તેવી પણ શકયતા છે. સવારે અને સાંજે ૧-૧ કલાકનો સમય વધારે તેવી શકયતા છે. સાથે જ મતદારોને મતદાન વખતે ડિસ્પોઝલ ગ્લોવ્ઝ આપવામાં આવશે. એક મતદાન કેન્દ્ર પર માત્ર ૭૦૦ જેટલા જ મતદારો મતદાન કરી શકશે.

હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે. આ વિશે રાજય ચૂંટણી સચિવ મહેશ જોશીએ કહ્યું કે, રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઇને રાજય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. કોરોનાનાં સંજોગોમાં ચૂંટણી યોજાશે, જેમા સંક્રમણ ન વધે તે માટે જરૂર પડે તો ચૂંટણીનાં સમયમાં વધારો કરવાનું વિચારવામાં આવશે. ૨૦૧૫નાં નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજયની જે ચૂંટણી યોજાઈ હતી, તેની ૫ વર્ષની મુદત નવેમ્વબર ૨૦૨૦ માં પુર્ણ થઈ રહી છે. જેની તૈયારીઓ ચૂંટણી પંચે આરંભી છે. જે મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં ભૌગોલિક વિસ્તારોમાં વધારો થયો છે અને ૫ મહાનગર પાલિકાનાં વિસ્તારોમા જે વધારો થયો છે, તેમાં નવેસરથી વોર્ડ રચના કરવામાં આવશે. બેઠકોની ફાળવણી કરવામાં આવશે. જેની કામગીરી આગામી ૨ થી ૩ દિવસમાં કરવામાં આવશે. નવી બનેલી નગરપાલિકઓનાં સીમાંકન નક્કી કરાશે. ૫૫ નગરપાલિકાની નવેમ્બર માસમા ચૂંટણી છે. જેમાંથી ૭ નગરપાલિકાનું સીમાંકન નવું બનાવીને બેઠકો ફાળવવામાં આવશે. આ કામગીરી પુર્ણ થયાં બાદ વોર્ડ પ્રમાણે વિધાનસભાનાં મતદાન યાદી પ્રમાણે મતદાન યાદી તૈયાર કરવામાં આવશે.

(3:38 pm IST)