Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોનાનો હાઉ

જીમ-ફિટનેસ સેન્ટર ખુલ્યા પરંતુ માંડ ૩૫% ગ્રાહકો જ પાછા આવ્યા

મહામારીને કારણે જીમ-ફિટનેસ સેકટર પર ભારે અસર પડી છે. મોટાભાગના જીમ રેન્ટ પર ચાલતા હોવાથી બંધ કરવાની ફરજ પડી છે

અમદાવાદ, તા.૨: સરકારની ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં જ શહેરમાં ફરીથી જીમ અને ફિટનેસ સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે નક્કી કરેલા સમયે જ લોકોને વર્કઆઉટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે, હવે શહેરમાં જીમ અને ફિટનેસ સેન્ટરો ખુલ્યાને મહિના જેટલો સમય થઈ ગયો છે પરંતુ ફકત ૩૫ ટકા કલાઈન્ટોએ જ ફરી જીમ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. કોરોનાના વધી રહેલા કેસ અને સરકારની ગાઈડલાઈન અનુસરીને મોટાભાગના લોકો દ્યરથી બહાર જવાનું ટાળી રહ્યા છે. જેની જીમ સેકટર પર ભારે અસર પડી છે. જીમ-ફિટનેસ શરૂ થયા બાદ ફકત ૩૫ ટકા કલાઈન્ટોએ જ તેમની મેમ્બરશીપ રિઝયુમ કરી છે.

અમદાવાદના એક જીમ ઓનર અલ્પેશ શાહે જણાવ્યું કે, અમે સીનિયર સિટિઝન્સને પણ જીમમાં આવવા નિરાશ કર્યા છે. કેટલાક કલાઈન્ટ વૃદ્ઘ અથવા બાળકોને કારણે ઘરમાં બંધ થઈ ગયા છે. સરકારના ધારાધોરણો મુજબ ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના લોકોને હાલમાં મંજૂરી ન અપાતી હોવાથી દ્યણાએ જીમ આવવાનું બંધ કરી દીધું છે. અમારા લગભગ ૩૫% કલાઈન્ટ જ જીમમાં પાછા ફર્યા છે. અમે અમારા અન્ય કલાઈન્ટ્સને ડિસ્કાઉન્ટ અથવા મેમ્બરશીપના રિન્યુઅલમાં એકસટેન્શન આપીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

અમદાવાદના વધુ એક જીમ ઓનર હાર્દિક પટેલે જણાવ્યું કે, 'માર્ચની તુલનામાં જીમમાં જે કલાઈન્ટ પાછા ફર્યા છે તેમનાથી આવક તો દૂર ખર્ચ પણ નીકળતો નથી. જેથી અમારે ખર્ચનું સંચાલન કાળજીપૂર્વક કરવાની જરૂર છે. હાલ અમે બપોર દરમિયાન જીમને ત્રણ કલાક બંધ રાખીએ છીએ, જેથી સ્ટાફ અને વીજળીનો ખર્ચ બચાવી શકાય.' જયારે રાજપથ કલબના સેક્રેટરી મિશલ પટેલે જણાવ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં કલબ અને કલબની પ્રવૃતિઓ ફરીથી શરૂ કરી છે, પરંતુ લોકોની સંખ્યામાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી પહેલા કલબમાં ૧૫૦૦ જેટલા લોકોની સામે હવે માત્ર ૧૨૦-૧૫૦ લોકો જ આવી રહ્યા છે.

ફિટનેસ સેન્ટર્સ કે જે પર્સનલ ટ્રેનિંગ આપે છે તે જીમની સરખામણીએ સારી રીતે આગળ વધી રહ્યાં છે. શહેર સ્થિત જીમના કો-ફાઉન્ડર મૃણાલ વેદે જણાવ્યું કે, ૪૫ ટકા ગ્રાહકો પરત ફર્યા છે જયારે અન્ય લોકો હાલ જીમ આવવાનું ટાળી રહ્યા છે. અમારા માટે એક મોટો ફાયદો એ છે અમે પર્સનલ ટ્રેનિંગ આપીએ છીએ જેથી કલાઈન્ટ તેમના નક્કી કરેલા સમયમાં જ આવે છે. જયારે અન્ય કલાઈન્ટ કે જેઓ જીમ આવવામાં અસમર્થ છે તેમને અમે પેડ ઓનલાઈન ટ્રેનિંગ સેશન્સ આપીએ છીએ, જેનો તેઓ ઘરેથી લાભ લઈ શકે છે. અમદાવાદમાં ઓવરઓલ જીમ બિઝનેસ પર કોરોના મહામારીની ભારે અસર થઈ છે. શહેરના અનેક જીમ બંધ થઈ ગયા છે કારણે કે મોટાભાગના જીમ રેન્ટ પર ચાલતા હતા. ભાડું, સ્ટાફનો પગાર તેમજ અન્ય ઓપરેશનલ ખર્ચનો લોડ વધી જવાને કારણે સંચાલકોએ જીમ બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ વોકિંગ અને સાયકલિંગ ઉપરાંત એપ્લિકેશન બેઝડ વર્કઆઉટ ગાઈડલાઈન અન્ય લોકો માટે ડેઇલી એકસરસાઈઝની નિયમિતતા જાળવવા માટે પસંદગીના મોડ્સ બની ગઈ છે.

(4:09 pm IST)