Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા રાજ્ય સરકાર કટીબધ્ધ

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા:નાગરિકોને સુરક્ષા પુરી પાડી અસામાજીક તત્વોથી વધુ સુરક્ષા પુરી પાડવા ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) વટ હુકમ, ૨૦૨૦ લવાશે :

અમદાવાદ : ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી.
  દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.  ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ  જેમાં કોઇ ગુંડો અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતો હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની  કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ છે

 રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ ગુંડાને ગુનો કરવા પ્રેરીત કરે કે મદદ કરે અથવા ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ છે  આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે દસ હજારથી વધુ નહિ તેટલા દંડ સહિત અથવા દંડ વિના, છ મહિનાથી વધુ નહિ તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે.
  પોલીસ અધિકારીને સહાયરૂપ થવા પુરાવાની યોગ્ય ચકાસણી માટે વ્યવસ્થા: ન્યાયિક તપાસ ઝડપી થાય તે માટે વિશેષ અદાલતો સ્થપાશે. સાક્ષીઓને પુરતું રક્ષણ અપાશે : તેમના નામ, સરનામાની વિગતો ગુપ્ત રાખવામાં આવશે. .

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજમાં અસામાજીક તત્વોને નાથવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશ્યલ એક્ટીવીટીઝ (પ્રિવેન્શન) વટ હુકમ, ૨૦૨૦ બહાર પાડવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ગૃહ મંત્રીએ ઉમેર્યું કે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ પદે મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી પણ નિર્દોષ નાગરિકોને કોઇપણ અસામાજીક તત્વો પરેશાન ન કરે અને તેઓને કોઇપણ પ્રકારની હેરાનગતી કરે નહીં તેની સતત ચિંતા કરી રહ્યા છે. ત્યારે આ વટ હુકમ અત્યંત મહત્વનો પુરવાર થશે. અસામાજીક તત્વોને કડકમાં કડક સજા થાય અને રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે તે આશયથી આ વટ હુકમ બહાર પાડવામાં આવશે.  

 મંત્રી જાડેજાએ આ વટ હુકમ સંદર્ભે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિ અથવા જુથ દ્વારા હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો અને જુથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘અસામાજિક પ્રવૃતિ’ની, વ્યાખ્યામાં ભયની લાગણી ફેલાવવી, સાર્વજનિક જાહેર આરોગ્ય તથા ઇકોલોજી સીસ્ટમની સલામતી માટે જોખમ ઉભું કરવુ, જાહેર તથા ખાનગી મિલકતોને નુકસાન થાય તેવુ કોઇપણ કાર્ય કરવામાં આવશે તો તેને આ ગુના હેઠળ સજા કરવામાં આવશે.

   તેમણે ઉમેર્યું કે રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારા ની જોગવાઇનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. કાયદાની જોગવાઇથી વીપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલીકી હકના ખોટા દાવા ઉભા કરવા કે તે  સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઉભા કરવા જેવી બાબતોને આવરી લેવાઇ છે. આ ઉપરાંત મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળ રક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ, જુગાર પ્રતિબંધ હેઠળના ગુનાઓ, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આતંક ફેલાવવો ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસુલાત માટે કોઇ પણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઇ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી ગેર કાયદેસર રીતે પશુ ધનની હેર ફેર કરવી શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેર ફેર માં સંડોવણી જેવા કિસ્સાઓમાં ગુંડા ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.   
 મંત્રી જાડેજાએ ઉમેર્યું કે ગુંડા ધારાના કડક અમલ માટે રાજ્ય સરકારે સજા અને દંડની જોગવાઇ પણ કરી છે. જેમાં કોઇ ગુંડો અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોય અથવા તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતો હોય અથવા જાહેર વ્યવસ્થા જાળવવામાં કોઇપણ રીતે બાધક બને તેવી પ્રવૃત્તિઓ કરતો હોવાનું જણાય, ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની  કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે.

   તેમણે કહ્યું કે રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ ગુંડાને ગુનો કરવા પ્રેરીત કરે કે મદદ કરે અથવા ત્યારબાદ ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે, કાયદાકીય પગલાં ન લે અથવા આ સંબંધમાં કોઇ કોર્ટ અથવા તેના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવાનું ઇરાદાપૂર્વક ટાળે, તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ  દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે દસ હજારથી વધુ નહિ તેટલા દંડ સહિત અથવા દંડ વિના, છ મહિનાથી વધુ નહિ તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે.
તેમણે કહ્યું કે આ સુચિત કાયદા હેઠળ નોંધાયેલ ગુનામાં પોલીસ અધિકારીને મદદરૂપ થવા માટે પણ પુરતી તકેદારી રાખવામાં આવી છે. તપાસ દરમ્યાન યોગ્ય પુરાવા સંબંધે પણ જોગવાઇ કરાઇ છે. જેમાં ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઇમાં ગમે તે જણાવ્યું હોય છતા ગુંડા ધારા હેઠળના ગુના માટે ભુતકાળમાં પોલીસ અધિનિયમ ભારતીય ફોજદારી અધિનિયમ, પાસા અધિનિયમ હેઠળ આવી વ્યક્તિઓ સામે  ગુના સંબંધીત હાથ ધરેલ કાર્યવાહી ધ્યાને લેવાની રહેશે. ગૂંડા દ્વારા  ધારણ કરવામાં આવેલ સ્થાવર કે જંગમ મિલકત અંગે સંતોષકારક હિસાબ ન આપી શકે કે તેના નાણા પ્રાપ્તિના સાધનના પ્રમાણમાં મિલકત વધુ હોય તેવા કિસ્સામાં વિરુધ્ધનું સાબિત ન થાય તો આવી મિલકત ગૂંડા તરીકેની પ્રવૃત્તિથી મેળવેલ છે તેમ કોર્ટ માની લેશે. આરોપીએ કોઇ વ્યક્તિનું અપહરણ કર્યુ છે કે ઉઠાવી ગયો છે  એમ સાબિત થાય તો કોર્ટ એવુ ધારી લેશે કે બાનની રકમ માટે આમ કરવામાં આવ્યું છે. ગુંડાએ કોઇ વ્યક્તિએ અપહરણ કરી છુપાવી રાખેલ હોય તેવા કિસ્સામાં કોર્ટ એવું ધારી લેશે કે ગુંડો આવી વ્યક્તિના અપહરણથી અવગત હતો. કોર્ટને જરૂરી જણાય તો તે અંગેના કારણો નોંધી આરોપીની ગેરહાજરીમાં પણ અદાલતી કાર્યવાહી કરી શકશે, સાક્ષીના પુરાવા નોંધી શકશે.  

  મંત્રી જાડેજાએ કહ્યું કે આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અને એ માટે પુરતી જોગવાઇ પણ કરી દેવાઇ છે. આ ઉપરાંત જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઇ પણ કરાઇ છે. વિશેષ અદાલતોની હકુમત પણ નિયત કરાઇ છે. જેમાં વિશેષ અદાલતોની રચના થયેથી તે અગાઉના કોઇ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકુમતોમાં આવી જશે. જરૂર જણાયે કોઇ કેસને નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઇ કરાઇ છે. અન્ય ગુનાઓના સંબંધમાં અદાલતની સત્તાઓ ગુંડા અધિનિયમ હેઠળના ગુના માટે અદાલતી કાર્યવાહી દરમ્યાન અમલી હોય તેવા અન્ય કાયદા હેઠળના ગુના માટે કે જે અંગે આરોપી સામે તોહમતનામું મુકવામાં આવ્યું હોય તો તે અંગે પણ વિશેષ અદાલત કાર્યવાહી કરી શકશે તેમજ તે સંદર્ભમાં તેને ગુનેગાર ઠેરવી તે માટે સજા પણ કરી શકશે.

તેમણે કહ્યું કે આ વટ હુકમમાં પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક કરવામાં આવશે. જે દરેક વિશેષ અદાલત માટે કામ કરશે. તેમની સાથે પબ્લીક પ્રોસીક્યુટર, અધિક પબ્લીક પ્રોસીક્યુટર તેમજ ખાસ સરકારી ફોજદારી વકીલની રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક તથા તે અંગેની પાત્રતા માટેની  જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ગુનાઓના સંદર્ભમાં અદાલતોને જે સત્તાઓ અપાઇ છે એમાં ફોજદારી અધિનિયમની કલમ – ૨૬૦ કે કલમ – ૨૬૨ની જોગવાઇ છતા ત્રણ વર્ષ કરતા ઓછી ન હોય તેવી સજા અથવા દંડને પાત્ર શિક્ષા માટે વિશેષ કોર્ટ સંક્ષીપ્ત કાર્યવાહી કરી શકશે અને આવી કાર્યવાહીમાં ગુનો સાબિત થતા બે વર્ષ સુધીની કેદની સજા કરી શકશે તેવી જોગવાઇ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ગુંડા ધારા હેઠળ ગુનામાં જે સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પુરેપુરૂ રક્ષણ આપશે. અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. તદ્દઉપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. તેના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. આ ઉપરાંત નિયમિત કોર્ટને કેસ તબદીલ કરવાની સત્તા પણ ખાસ અદાલતના અભિપ્રાયના આધારે ગુનો તેના દ્વારા કાર્યવાહીને પાત્ર નથી તેવા કિસ્સામાં યોગ્ય હકુમત ધરાવતી કોર્ટને કેસ તબદીલ કરવાની જોગવાઇ પણ કરાઇ છે.

આ ઉપરાંત મિલકતની જપ્તી અને મુક્તિના કેસોમાં ગુંડા દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનુની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઇ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂંક કરી શકશે તેમજ દાવાની યથાર્થતાના કિસ્સામાં ટાંચમાંથી મુક્ત કરી પરત સોંપી શકે તે માટેની જોગવાઇ આ વટ હુકમમાં કરવામાં આવી છે. એજ રીતે મિલકતનો દાવો સાબિત કરવાની  જવાબદારી ઇન્ડીયન એવીડન્સ એક્ટમાં કઇ પણ વિરૂધ્ધમાં હોય છતા ગુંડા ધારા હેઠળ કાનુની કાર્યવાહીને પાત્ર કોઇ ગુનો કર્યાને પરીણામે ગુંડા દ્વારા મિલકત કે તેનો ભાગ મેળવવામાં આવ્યો નથી તે સાબિત કરવાની જવાબદારી મિલકતનો દાવો કરતી વ્યક્તિ પર રહેશે. ફોજદારી કાર્યવાહી અધિનિયમની જોગવાઇઓ ફેરફાર સાથે લાગું પાડવા સંદર્ભે આ ધારાની કલમ – ૧૬૭, ૩૬૬, ૩૬૭, ૩૭૧ની જોગવાઇઓ ગુંડા ધારા હેઠળ કરેલ ફેરફારોને આધિન લાગું પડાઇ છે.ગુનો કર્યા વિશેની માહિતી રેકર્ડ કરવા અંગે ગુંડા ધારા હેઠળના ગુનાઓની કોઇપણ માહિતી સંબંઘિત રેન્જનો હવાલો ઘરાવતા અથવા તો પોલીસ કમિશ્નરથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીની પૂર્વ મંજૂરી વગર રેકર્ડ થઇ શકશે નહી તેવી જોગવાઇ આ કાયદામાં કરવામાં આવેલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(6:35 pm IST)