Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુરતના આભવા ગામમાં પ્રેમ લગ્ન કરી પરત ફરેલ યુવક-યુવતીના પરિવારનો હોબાળો:યુવતીના પરિવારે યુવકના ઘરે જઈ લાકડાના ફટકા સહીત પાઇપથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

સુરત:આભવા ગામમાં લોક્ડાઉન અગાઉ ભાગી જનાર પ્રેમીપંખીડા પરત આવતા યુવતીને પરત પોતાના ઘરે લઇ જવા માટે તેના પરિવાર યુવકના ઘરે જઇ ઝઘડો કરવા ઉપરાંત લાકડાના ફટકા,પાઇપ વડે હુમલો કરી ઘરની તોડફોડ કરવા ઉપરાંત ત્રણથી ચાર જણાને હાથ અને માથામાં ગંભીર ઇજા પહોંચાડતા મામલો ડુમસ પોલીસ મથકમાં પહોંચ્યો છે.

આભવા ગામના માછીવાડ નવદુર્ગા સ્ટ્રીટમાં રહેતો પ્રશાંત ઇશ્વર પટેલ બુડીયા ગામની હની નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તેઓ લોક્ડાઉન અગાઉ ભાગી ગયા હતા અને તાજેતરમાં પરત આવ્યા હતા અને પતિ-પત્ની તરીકે રહેતા હતા. દરમ્યાનમાં ગત રોજ હનીના પરિવારના સભ્યો તેને મળવા માટે પ્રશાંતના ઘરે આવ્યા હતા અને હની ને પરત લઇ જવાની વાત કરી હતી. પરંતુ હનીએ પ્રશાંત સાથે ખુશ હોવાનું અને પરત ઘરે જવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી હનીની માતા મંજુબેન અને તેમના પરિવારની ત્રણેક મહિલા ઝઘડો કરી પરત ચાલી ગઇ હતી. અદાવતમાં રાત્રે 8 વાગ્યાના અરસામાં હનીના પરિવારના કમલેશ, પંકજ અને કાનાભાઇ બુધિયાભાઇ લોખંડના પાઈપ, ફટકા અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે ઘસી આવ્યા હતા. ત્રણેયે પ્રશાંતની માતા મંજુબેન છનુભાઇ પટેલ, બનેવી ઉપેશ ઇશ્વર પટેલ, બહેન મેઘના તેજસ પટેલ અને ભાણેજ કેયુર ભીખુભાઇ પટેલ (.. 21 રહે. અંબાજી મહોલ્લો, અંબાજી મંદિર પાસે, પાર્લેપોઇન્ટ) ને માર માર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી. જેમાં કેયુરને માથામાં, ઉપેશને માથા અને હાથ, મંજુબેનને હાથમાં ગંભીર ઇજા થઇ હતી. ઘટનાને પગલે મહોલ્લાવાસીઓ એક્ઠા થઇ જતા ત્રણેય જણા બીજી વખત જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા. ઘટના અંગે કેયુર પટેલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:52 pm IST)