Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

હાઇકોર્ટના પીએ પર હુમલો : બે લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી : સોલાના કારગિલ પેટ્રોલ પમ્પ પાસેના એપાર્ટમેન્ટની ઘટના

ઘરની બાલ્કનીની સફાઈ કરતી વેળાએ આરોપીએ ગાળો આપી બે લાફા મારીને નીચે ફેંકી દેવા ધમકી આપી

અમદાવાદ: સરકારે ગુંડાઓને સજા ભોગવો કે ગુજરાતની બહાર જાવ તેવો કાયદો પસાર કર્યો છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતે જ સલામત નથી. હજી ગઈકાલે વીજ કંપનીના કર્મચારી પર હુમલો થયો હતો આજે હાઇકોર્ટના જજ (High court judge)ના પર્સનલ આસિસ્ટન્ટને  સામાન્ય બાબતે શખ્સે બે લાફા મારીને ઉપરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. અપશબ્દો બોલી ધાક ધમકી આપતા આરોપી વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટના કર્મચારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોલાના કારગીલ પેટ્રોલ પંપ પાસે આવેલા નેહા એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના અંગે સોલા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત હાઇકોર્ટ જજના PA તરીકે ફરજ બજાવતા જયંતિલાલ નારણભાઇ વાઘેલા નેહા એપાર્ટમેન્ટ ખાતે રહે છે.જયંતિલાલે અશોક દેસાઈ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત મંગળવારે બપોરે તેઓ પોતાના ઘરની બાલ્કની કબૂતરોએ ખરાબ કરી હોવાથી સાફ કરતા હતા. તે સમયે નીચે ઉભેલા અશોક દેસાઈએ અપશબ્દો બોલી પાણીના નાખ મારી જાળીને કાટ લાગશે તેમ કહ્યું હતું, આથી જયંતિલાલે વરસાદમાં કાટ નથી લાગતો તેમ કહ્યું હતું. ઉશ્કેરાયેલા અશોક દેસાઈએ ઉપરથી નીચે ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી.

 

બાદમાં આરોપીએ જયંતિલાલના ઘરે જઈને તેમનો કોલર પકડી ચલ નીચે તેમ કેહતા જયંતિલાલએ હું શું કામ નીચે આવું તેમ કહ્યું હતું. આરોપી અશોક દેસાઈએ ફરિયાદીને બે લાફા મારી અપશબ્દો બોલી ધાકધમકી આપી હતી. ફરિયાદીએ પોલીસને ફોન કરતા આરોપી ભાગી ગયો હતો. ગુજરાત હાઈકોર્ટ જજના અંગત સચિવ પર થયેલા હુમલાના ગંભીર બનાવ અંગે સોલા પોલિસે આરોપી અશોક દેસાઈ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)