Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

છેડતી કેસમાં નવો વળાંક: શિક્ષિકા વિરૂદ્ધ સ્કૂલના આચાર્યએ નોંધાવી રૂપિયા પડાવ્યાની ફરિયાદ

ઉદ્યોગપતિ ચુનીભાઈ ગજેરા વિરૂદ્ધ શિક્ષિકાએ નોંધાવી ફરિયાદ: શિક્ષિકાએ ધમકી આપી 11 લાખ પડાવ્યાનો આચાર્યનો આક્ષેપ

સુરત :  જાણીતા ઉદ્યોગપતિ ચુનીભાઈ ગજેરા સામે બિભત્સ ચેનચાળા કરવાની ફરિયાદ કરનારી શિક્ષિકા વિરુદ્ધ સ્કૂલના આચાર્યએ પોલીસ ફરિયાદ કરી છે જેમાં આચાર્યનો દાવો છે કે સ્કૂલમાંથી છૂટા કર્યા બાદ શિક્ષિકાએ ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટને બદનામ કરવાની ધમકી આપી 11 લાખ રૂપિયા ટ્રસ્ટી પાસેથી પડાવી લીધા બાદ વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે નહીં આપતાં ખોટા કેસમાં ફસાવવા બદનામ કરી ધમકી આપી હતી. આ ઘટના અંગે અડાજણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉદ્યોગપતિ ચુની ગજેરા જે સ્કૂલમાં ટ્રસ્ટી છે તે ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્વેતા પરીહારે અડાજણ પોલીસ મથકમાં શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરતાં હતાં ત્યારે પણ તેમની વિરૂદ્ધ સ્કૂલમાં વિદ્યાર્થી તથા વાલીઓની ફરિયાદો સતત આવતી હતી. અનેક વખત તેમને સુધરવા અંગે કહેવામાં આવ્યું હતું. છતાં તેમના વર્તનમાં સુધારો ન થયો હતો. જેથી તેમને નોકરીમાંથી છૂટા કરવાનું કહેવામાં આવ્યું હતું.

શિક્ષિકાએ રાજીનામું આપ્યા બાદ ગત માર્ચ 2019થી મે 2020 સુધીમાં બળજબરીથી ખોટી રીતે નાણાં કઢાવવા માટે ધમકીઓ આપી હતી. ટ્રસ્ટી પાસેથી 11 લાખ પડાવ્યાં હતાં. 11 લાખ રૂપિયા લીધા બાદ પણ બદનામ કરવાની ધમકી આપીને બીજા પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ મેનેજમેન્ટ તથા ટ્રસ્ટીઓને શારીરિક ઈજા પહોંચાડવાની ધમકી આપી હતી.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની જાણીતી ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને હીરા અને કંટ્રકશન ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ ચુની ગજેરા  પર તેમની જ સ્કૂલની શિક્ષિકાએ બિભત્સ ચેનચાળા કરવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે શિક્ષિકાનું કહેવું હતું કે,

“મારી સાથે 15મી ડિસેમ્બર 2018થી માર્ચ 2019 દરમિયાન છેડતીની ઘટના બની હતી. અમારી સ્કૂલમાં ફેશન શો હતો, જેમાં એક સેલિબ્રિટી આવ્યા હતાં. તેમને લઈને હું સ્ટેજ પર ગઈ હતી. ત્યારે ચુનીભાઈની નજર મારા પર પડી અને ત્યારબાદ તેમને મને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા તો સામાન્ય મેસેજ આવતાં હતાં, જોકે બાદમાં બિભત્સ મેસેજ સહિતના વીડિયો અને મસેજો મોકલતા હતાં. જાણે કે હું લાચાર હોય તેમ મને મેસેજ મોકલતા હતાં.

હું પહેલી વખત તો ખૂબ ડરી ગઈ હતી. પછી હિંમત આવી અને ક્લિપ ભેગી કરી હતી. ચુનીભાઈને  આવું ન કરવા મેં કહ્યું હતું, સાથે જ પોલીસમાં જઈશ એવું પણ કહ્યું હતું.એટલે 27મી માર્ચે મને પ્રિન્સિપાલ તરફથી ના પડાવી દીધી કે તમારે સ્કૂલ આવવાનું નહી. તમે ચુનીભાઈ ની વિચારધારામાં બેસતા નથી.

બાદમાં મને તેમની ડાયમંડની ઓફિસ પર મોકલવામાં આવી હતી. જાહેર રજાના દિવસે પણ ત્યાં મારે જવું પડેલું. ત્યાં ચુનીભાઈએ મને ચા પાણી કરાવી સોફા પર બેસાડી. અને પ્યુનને કહ્યું હતું કે અડધો કલાક કોઇને મોકલતો નહીં. ત્યાં તેણે બિભત્સ હરકત કરી હતી.જ્યારે હું જાવ છું એમ મેં કહ્યું તો મને પકડવા કોશિષ કરી હતી. બાદમાં ત્યાંથી નીકળી ગઈ હતી.

કાયદાનો અભ્યાસ મે કર્યો છે, જેથી ચુની ગજેરાની સજા થાય તે માટે તત્કાલિન પોલીસ કમિશનરને બધા મેસેજ અને વીડિયો બતાવ્યાં હતાં. તેમને મને પોલોસ મથકે મોકલી મારો મોબાઈલ પુરાવા તરીકે લીધો હતો. જો કે તે દરમિયાન મારો મોબાઈલ ગાયબ થઈ ગયો હતો. સતત અન્યાય મળતો હોવાથી મેં મુખ્યમંત્રી અને વડાપ્રધાન અને હાઇકોર્ટ સુધી ફરિયાદ નોંધાવી હતી. જેમાં હાઈકોર્ટનો ઓર્ડર થતાં મારી ફરિયાદ લેવાઈ છે. ન્યાયતંત્ર અને પોલીસનો આભાર કે મારી વાત સાંભળી ન્યાય આપ્યો.

(7:03 pm IST)