Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રત્ન કલાકાર શિપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરીને ગુજરાન ચલાવે છે

શ્રમિકો પરત નહીં ફરતા યાર્ડનું કામ અટકી પડ્યું : અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં સ્થાનિક શ્રમિકોને ટ્રેનિંગ આપ્યા બાદ હવે રોજગાર આપવામાં આવી રહ્યો છે

રાજકોટ, તા.૨ : અનલોક ૪.૦ થયા છતાં પણ વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં મજૂરોની અછત વર્તાઈ રહી છે. ભાવનગર જિલ્લામાં આવેલા અલંગમાં હજી પણ ઉત્તરપ્રદેશ અને બિહારના પરપ્રાંતીય શ્રમિકો પરત આવ્યા નથી. અલંગમાં ૧૦૦ શિપ યાર્ડ આવેલા છે અને લગભગ તમામ પાસે કામ છે પરંતુ તે પૂરું કરવા માટે પૂરતા હાથ નથી. જો કે, આ સંકટ વચ્ચેનું આશાનું કિરણ જાગ્યું છે કારણકે સ્થાનિક મજૂરોએ આ કામમાં રસ દર્શાવ્યો છે. તેમને ગુજરાત મેરિટાઈમ બોર્ડના ટ્રેનિંગ સેન્ટરમાં ૧૨ દિવસની સેફ્ટી ટ્રેનિંગ અપાઈ, જે બાદ ગયા અઠવાડિયાથી શિપ યાર્ડમાં કામ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે, ૧૦,૦૦૦થી વધુ શ્રમિકો યાર્ડમાં કામ કરે છે જેમાંથી ૮૦૦૦ યૂપી અને બિહારના છે. લોકડાઉન દરમિયાન તેઓ પોતાના વતન જતા રહ્યા હતા. પરિણામે શિપ બ્રેકિંગ ઈન્ડસ્ટ્રીને માઠી અસર થઈ હતી. ઈન્ડસ્ટ્રીના સૂત્રોનું માનીએ તો હજી ૫૦ ટકા પરપ્રાંતીય શ્રમિકો પરત આવ્યા નથી.

                મજૂરોની તંગીને જોતાં અલંગ ઈન્ડસ્ટ્રીયલ અસોસિએશને ગુજરાત મેરિટાઈમ બોર્ડને સેન્ટરમાં ટ્રેનિંગ ફરીથી શરૂ કરવા માટે અપીલ કરી હતી. જેથી બેરોજગાર થયેલા સ્થાનિક મજૂરોને શિપ બ્રેકિંગ ઈન્ડસ્ટ્રીમાં રોજગારી મળી શકે. આ ટ્રેનિંગમાં સામેલ થયેલા મોટાભાગના સુરતથી આવેલા રત્નકલાકારો હતા. જેઓ અગાઉ અલંગમાં કામ કરતા હતા પરંતુ બાદમાં ડાયમંડ પોલિશિંગમાં જોડાયા હતા. શિપ રિસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીયલ અસોસિએશનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, *અલંગમાં સખત પરિશ્રમ માગી લેતું કામ હોય છે જેના કારણે જ કામદારો ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધવા પ્રેરાય છે. જો કે, હાલ મંદીના કારણે તેઓ પરત આવ્યા છે અને ફરી સુરત જવા માગતા નથી. આ જ બેરોજગાર સ્થાનિકો ટ્રેનિંગમાં જોડાયા હતા. ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં અન્ય ઈન્ડસ્ટ્રીએ મોકલેલા લોકોને પણ ટ્રેનિંગ અપાય છે સાથે જ અલંગમાં કામ કરવા ઈચ્છતા મજૂરો પોતે પણ અહીં જોડાય છે. ૫૦ ટકા સ્ટાફ સાથે આ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયું છે. હાલ ૧૦૫ લોકોને ટ્રેનિંગ અપાઈ છે અને ૨૦૦ જેટલા વેઈટિંગમાં છે. ટ્રેનિંગ સેન્ટરના ડિરેક્ટર રાજેશ અષાઢીએ કહ્યું, *ધસારો જોતાં અમે અમારી ક્ષમતા વધારવાની યોજના બનાવી રહ્યા છીએ, જેથી વધુ લોકોને સામેલ કરીને એક મહિનામાં જ ભરાવો ઓછો કરી શકાય. આ તમામ નવા વર્કરો છે.

(7:48 pm IST)