Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

પ્રેમ પ્રકરણમાં પ્રેમીના ઘર પર પ્રેમિકાના પરિવારનો હુમલો

યુવક-યુવતી લોકડાઉન પહેલાં ભાગી ગયા હતા : લાકડાના ફટકા, પાઇપથી હુમલો કરી ઘરની તોડફોડ કરી, ત્રણથી ચાર જણાને હાથ અને માથામાં ગંભીર ઇજા પહોંચાડી

સુરત,તા.૨ : શહેરના ડુમસ રોડ પર આવેલા આભવા ગામમાં લોકડાઉન પહેલા ભાગી જનાર યુવક-યુવતી પરત આવતા યુવતીને પરત પોતાના ઘરે લઇ જવા માટે તેના પરિવારે યુવકના ઘરે જઇ ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં લાકડાના ફટકા, પાઇપ વડે હુમલો કરી ઘરની તોડફોડ કરવા ઉપરાંત ત્રણથી ચાર જણાને હાથ અને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવાને આ મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના ડુમસ રોડ પર આવેલા આભવા ગામના માછીવાડ નવદુર્ગા સ્ટ્રીટમાં રહેતો પ્રશાંત ઇશ્વર પટેલને બુડીયા ગામની હની નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. પ્રેમસંબંધ આગળ વધતા બંને લગ્ન કરવા માટે લોકડાઉન પહેલા ઘરેથી ભાગી ગયા હતા. બંને તાજેતરમાં પોતાના ઘરે પરત આવ્યા હતા. બંને પરત આવીને પતિ અને પત્ની તરીકે રહેતા હતા. આ દરમિયાન ગતરોજ હનીના પરિવારના સભ્યો મળવા માટે પ્રશાંતના ઘરે આવ્યા હતા અને હનીને પરત લઇ જવાની વાત કરી હતી.

                 આ દરમિયાન હનીએ પ્રશાંત સાથે ખુશ હોવાનું કહીને ઘરે પરત જવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી હનીની માતા મંજુબેન અને તેમના પરિવારની ત્રણેક મહિલા ઝઘડો કરીને પરત ચાલી ગઇ હતી. આ અદાવતમાં રાત્રે ૮ વાગ્યાના અરસામાં હનીના પરિવારના કમલેશ, પંકજ અને કાનાભાઇ બુધિયાભાઇ લોખંડના પાઈપ, ફટકા અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે ઘસી આવ્યા હતા.

             આ ત્રણેયે પ્રશાંતની માતા મંજુબેન છનુભાઇ પટેલ, બનેવી ઉપેશ ઇશ્વર પટેલ, બહેન મેઘના તેજસ પટેલ અને ભાણેજ કેયુર ભીખુભાઇ પટેલને માર માર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી. જેમાં કેયુરને માથામાં, ઉપેશને માથા અને હાથ, મંજુબેનને હાથમાં ગંભીર ઇજા થઇ હતી. ઘટનાને પગલે મહોલ્લાવાસીઓ એક્ઠા થઇ જતા ત્રણેય જણા બીજી વખત જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા. ઘટના અંગે કેયુર પટેલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શારુ કરી છે. શહેરના બીજા એક બનાવમાં એક વખત તલાક થયા બાદ ફરી પત્નીને ઘરે લઇ ગયા બાદ 'હું તારો પતિ છું, મને મારઝૂડ કરવાનો હક છે' કહીને માર મારતા પતિ વિરૂદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે મારઝૂડ કરતા પતિની ધરપકડ કરી છે. શહેરના જહાંગીરપુરા પોલીસની હદ વિસ્તારમાં આવતા વરિયાવ ગામ ખાતે સિધ્ધાર્થ ફળિયામાં રહેતા શૌકત સુલેમાન દાઉજીના લગ્ન રેશ્મા સાથે થયા હતા.

(7:50 pm IST)