Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજયની ૬ મહાનગરપાલિકાઓ અને ૫૫ નગરપાલિકાઓની મતદાર યાદી ૯ ઓકટોબરે પ્રસિધ્ધ કરવા ચૂંટણી પંચનો આદેશ

રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર, વડોદરા વગેરે મહાનગરોમાં ૧-૧-ર૦ર૦ ની સ્થિતિએ વિધાનસભા મુજબની મતદાર યાદી તૈયાર કરી અને ૯ ઓકટોબરે પ્રસિધ્ધ કરવા જણાવાયું: ઝોનલ અને વોર્ડ કક્ષાએ યાદી પ્રસિધ્ધ થશેઃ ઉમેદવારી ફોર્મ ભર્યાના ૧૦ દિવસ અગાઉ સુધી સુધારા-વધારા થઇ શકશે

રાજકોટ તા. ર :.. રાજયની ૬ મહાનગરપાલિકાઓ અને પપ જેટલી નગરપાલિકાઓની પ્રાથમિક મતદાર યાદી ૯ ઓકટોબર સુધીમાં પ્રસિધ્ધ કરવા રાજય ચૂંટણી પંચે આદેશ આપ્યો છે.

આ અંગે રાજય ચૂંટણી પંચનાં સચિવ શ્રી મહેશ જોષીએ બહાર પાડેલ આદેશમાં જણાવાયું છે કે, રાજયની પપ નગરપાલિકાઓની સને ર૦૧૧ ની વસ્તી ગણતરી આધારે સીમાંકન મુજબ સામાન્ય ચૂંટણી યોજવાની થાય છે. રાજય વિધાનસભાના મતદાર વિભાગોની મતદાર યાદી પરથી ગુજરાત નગરપાલિકા (મતદાર નોંધણી) (સુધારા) નિયમો, ર૦૧પ ના નિયમ -૪ થી ૭ ની જોગવા તથા ગુજરાત નગરપાલિકા (મતદાર નોંધણી) બીજો (સુધારા) નિયમ ર૦૧પ ની જોગવાઇ અનુસાર નગરપાલિકાઓની મતદાર યાદી તૈયાર કરી પ્રસિધ્ધ કરવાની થાય છે. વિધાનસભાની તા. ૧-૧-ર૦ર૦ ની સ્થિતિની  મતદાર યાદી અનુસાર લાયકાત ધરાવતા નગરપાલિકાઓના મતદારો સામાન્ય ચૂંટણીમાં મતદાનથી વંચિત રહી જવા પામે  નહિ તે માટે વિધાનસભા મતદાર વિભાગની તા. ૧-૧-ર૦ર૦ ની સ્થિતિની આખરી પ્રસિધ્ધ થયેલ (પુરવણી સહિત) મતદાર યાદી પરથી ઉકત નગરપાલિકાઓની બંધારણ કલમ-ર૪૩ (વક) તથા અધિનીયમની કલમ-૯ ની જોગવાઇ અનુસાર ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરવા તથા પ્રસિધ્ધ કરવા જણાવવામાં આવે છે.

વિધાનસભાની તા. ૧-૧-ર૦ર૦ ની લાયકાતની તારીખની સ્થિતિની આખરી પ્રસિધ્ધ થયેલી (પુરવણી સહિતની) મુસદારૂપ કોમ્પ્યુટર મતદાર યાદીના આધારે ગુજરાત નગરપાલીકા (મતદાર નોંધણી) (સુધારા) નિયમો ર૦૧પ ના નિયમ-૪ ના પેટા નિયમ (૩) અન્વયે વોર્ડવાર, વિભાગવાર તૈયાર કરી તા. ૯-૧૦-ર૦ર૦ના રોજ મુસદારૂપ મતદાર યાદી પ્રસિધ્ધ કરવી. વિધાનસભાની તા. ૧-૧-ર૦ર૦ ની લાયકાતની તારીખની સ્થિતિની આખરી પ્રસિધ્ધ થયેલ મતદાર યાદી પરથી આખરી કરવાની રહેશે.

બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસીપલ કોર્પોરેશન (મતદાર નોંધણી) (ત્રીજો સુધારા) નિયમો ર૦૧પ ના નિયમ-૬ ની જોગવાઇ મુજબ ઉમેદવારી રજૂ કરવાની છેલ્લી તારીખના દશ (૧૦) દિવસ પહેલા સુધી કોર્પોરેશનની મતદાર યાદી જે તે વિધાનસભાની મતદાર યાદીના સંબંધિત ભાગ પરના સમય - સમય પરના સુધારા વધારા સાથે સુસંગત રહે તે મુજબ ખરાઇ કરી યથા સમય મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરવાની રહેશે અને ઉમેદવારી રજૂ કરવાની છેલ્લી તારીખના દશ (૧૦) દિવસ પહેલા સુધી કોર્પોરેશનની મતદાર યાદી જે તે વિધાનસભાની મતદાર યાદીના સંબંધિત ભાગ પરના સમય સમય પરના સુધારા વધારા સાથે સુસંગત રહે તે મુજબ ખરાઇ કરી યથાસમય મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરવાની રહેશે અને ઉમેદવારી રજૂ કરવાની છેલ્લી તારીખના દશ (૧૦) દિવસ પહેલાની તારીખ પછી મ્યુનિસીપલ કોર્પોરેશનની અથવા ફેરફાર અથવા સુધારો નહી થઇ શકે.

ર૦ર૦માં ચુંટણી હેઠળની નગરપાલિકાઓની યાદી

ધોળકા, વિરમગામ, અમરેલી, બગસરા, સાવરકુંડલા, પેટલાદ, બોરસદ, પાલનપુર, ડીસા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, મહુવા, પાલીતાણા, દાહોદ, દહેગામ, કલોલ, ખંભાળિયા, કેશોદ, અંજાર, માંડવી, ગાંધીધામ, ભુજ, મુંદ્રા બારોઇ, કપડવંજ, નડીયાદ, કડી, વિસનગર, ઉંઝા, મહેસાણા, રાજપીપળા, નવસારી-વિજલપોર, પાટણ, સિધ્ધપુર, પોરબંદર-છાંયા, ગોધરા, ગોંડલ, હિંમતનગર, બારડોલી, કડોદરા, વ્યારા, સુરેન્દ્રનગર દુધરેજ, વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા, ડભોઇ, પાદરા, બોટાદ, વેરાવળ, પાટણ, ઉના, મોરબી, વાંકાનેર, મોડાસા ઉપરોકત તમામ પાલિકાઓમાં આ વર્ષે ચુંટણી છે. જેથી તૈયારી થઇ રહી છે.

૬ મહાનગરપાલિકાઓમાં ચુંટણી

ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાની સને ર૦૧૧ની વસ્તી ગણતરી આધારે સીમાંકન મુજબ સામાન્ય ચુંટણી યોજવાની થાય છે. રાજય વિધાનસભા મતદાર વિભાગોની તા.૧-૧-ર૦ર૦ની લાયકાત તારીખની સ્થિતિની મતદારયાદી આખરી પ્રસિધ્ધ થયેલ છે. મુંબઇ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ની કલમ ૮ તથા બોમ્બે પ્રોવેન્શિયલ મ્યુ. કોર્પોરેશન (મતદાર નોંધણી) (ત્રીજો સુધારો) નિયમ - ર૦૧પના નિયમ ૪ થી ૭ અને બોમ્બે પ્રોેવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (મતદાર નોંધણી) સુધારા નિયમો -ર૦૧૬ના નિયમ ૪ પેટા નિયમ (૧) ની જોગવાઇ અનુસાર અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાની ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરી પ્રસિધ્ધ કરવાની થાય છે.

અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડવાઇઝ વિભાગવાર તા.૧-૧-ર૦ર૦ની લાયકાતની તારીખની સ્થિતિએ મુસદારૂપ મતદારયાદીનો મુસદો તૈયાર કરી તા.૯-૧૦-ર૦ર૦ના રોજ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ ઝોનલ અને વોર્ડની કચેરીએ તથા મતદાર નોંધણી અધિકારી કરે તે સ્થળોએ પ્રસિધ્ધ કરવાનો રહેશે અને તેની જાણ અત્રે કરવાની રહેશે.

અને ઉમેદવારી ફોર્મ ભરવાના ૧૦ દિવસ અગાઉ સુધી સુધારા વધારા કરી આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવાની રહેશે. 

(2:39 pm IST)