Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

નવરાત્રીનો ધંધો વેન્ટિલેટર પરઃ ચણિયા ચોળી, ધોતી-કુર્તાનો કરોડોનો વેપાર ઠપ્પ

શેરી ગરબાની મંજૂરી મળે તો ઓકિસજન પર ટકી રહેવાની વેપારીઓને આશા

વડોદરા, તા.૨: નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રીમાં માતાજીની નૃત્યુમય ભકિતનું ગુજરાત અને તેમાંય ખાસ કરીને વડોદરામાં આગવુ મહત્વ છે. શહેરમાં યોજાતા મોટા ગરબાના લીધે વિશ્વ ફલક ઉપર વડોદરાનું આગવુ નામ છે. પરંતુ આ વર્ષે કોરોનાનું ગ્રહણ નડી જાય તો આ ઉત્સવ ઉપર નિર્ભર શહેરના ચણીયાચોળીના વેપારીઓ દેવાના ડુંગર નીચે દબાઇ જાય તેવી સ્થિતિનું સર્જન થયુ છે.

કોરોનાના લીધે બધાજ તહેવારોની જાહોજલાલી લગભગ ઉડી ગઇ હતી. કોરોનાના કહર સામે સાવચેતીના પગલા રૂપે થયેલા લોકડાઉનના લીધે આ સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ સત્તાવાળાઓ દ્વારા અનલોક સાથે કેટલીક છુટછાટ કેટલાક વ્યવસાયોને આપવાનું શરૂ કર્યુ છે. જો રાજય સરકાર દ્વારા જાહેરમાં ગરબાની ઉજવણીને જો મંજુરી આપે તો આ ઉત્સવ ઉપર નિર્ભર ચણીયાચોળીના વેપારીઓ દેવાના ડુંગર તળે ધરબાતા રહી જાય. નહી તો કેટલાય વેપારીઓએ દેવાના લીધે અમંગળ પગલા ભરવા માટે પણ મજબુર બની જાય તેવી સ્થિતિનું સર્જન થશે.

અગાઉ નવરાત્રીમાં ચણીયાચોળીનો લગભગ ૨૦ કરોડ અને ધોતી કુર્તાનો રૂ.પ કરોડ મળી કુલ રૂ.૨૫ કરોડનો વેપાર થતો હતો. વિતેલા ત્રણ વર્ષથી આ સિઝનલ ધંધામાં મંદી આવી છે. તેમાંય આ ચોથા વર્ષે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિના સર્જાય તે માટે વેપારીઓ પ્રાર્થના કરી રહ્યા છે. શહેરમાં લગભગ ૨૫૦ જેટલી દુકાનમાં વેપારીઓ આ ચણીયાચોળી ધોતી કુર્તાનો વેપાર કરતા હોય છે. (પથારા અને હોલ અલગ) જેમાં ૮૦ ટકા જેટલી દુકાનો ભાડે રાખીને વેપારીઓ વ્યવસાય કરે છે. નવરાત્રીના પ્રારંભ અગાઉનો ૨૦ દિવસનો આ ધંધો હોય છે. જે માટે દુકાનની ભાડાની રકમ રૂ.૬૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની હોય છે. નવાબજારમાં લગભગ ૧૨૫ દુકાન મંગળબજારમાં ૭૫ અને અલકાપુરીમાં ૫૦ દુકાનોથી ચણીયાચોળી અને ધોતીકુર્તાનો વ્યવસાય છે. પરંતુ આ દુકાનો ભાડે રાખવા માટેની પણ ઇન્કવાયરી હજી સુધી નીકળી નહી હોવાનું વેપારી રાજુભાઇ ભાટીયાએ જણાવ્યુ હતુ.

નવરાત્રીના આ સિઝનલ વેપારીઓ હવે શેરી ગરબાના આયોજનની મંજૂરી મળે તો રાહત થાય તેવો આશાવાદ સેવી રહ્યા છે.

(11:31 am IST)