Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

તમામ કઠોળના ભાવમાં ભડકોઃ કિલોએ ૮થી ૧૦ રૂ.નો ઉછાળો

ચણા-ચણાદાળ અને તુવેર દાળમાં કિલોએ ૧૦ રૂ. અને મગ તથા અડદના ભાવમાં કિલોએ ૮થી ૯ રૂ.નો ભાવ વધારો : શાકભાજીના ભાવો ઘટયા ત્યાં કઠોળના ભાવો વધતા ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત

રાજકોટ, તા. ર : ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા બાદ હવે ઘટી રહ્યા છે ત્યારે કઠોળના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

સાતમ-આઠમના તહેવારોમાં કઠોળના ભાવો વધ્યા બાદ છેલ્લા ર૦ દિવસથી ફરી કઠોળના ભાવોમાં ભડકો થયો છે. ખાસ કરીને ચણાદાળ અને તુવરદાળના ભાવો તો વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. અન્ય કઠોળના ભાવોમાં પણ ઉછાળો થયો છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ર૦ દિવસમાં તમામ કઠોળના ભાવમાં કિલોએ ૮થી૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે. રીટેઇલમાં ચણાદાળ ૧ કિલોના ભાવ વધીને ૮પથી ૯પ રૂ. તથા તુવેર દાળ ૧ કિલોના ભાવ વધીને ૯પથી ૧૦૦ રૂ. થઇ ગયા છે. ર૦ દિ' પૂર્વે ચણાદાળના ભાવ ૭પ થી ૮પ રૂ. તથા તુવેરદાળના ભાવ ૮પથી ૯૦ રૂ. હતાં જયારે રેંટીયો તુવેરદાળ એક કિલોના ભાવ વધીને ૧ર૦ રૂ. થઇ ગયા છે. તેવી જ રીતે ચણા એક કિલોના ભાવ પ૦ રૂ. હતાં તે વધીને ૬૦ રૂ. થઇ ગયા છે.

તેમજ મગ અને અડદના ભાવમાં કિલોએ ૮ થી ૯ રૂ.નો ભાવવધારો થયો છે. રીટેઇલમાં મગ એક કિલોના ભાવ વધીને ૯૦ થી ૧૦પ રૂ. થઇ ગયા છે. કઠોળના ભાવો રોજબરોજ વધતા જતા હોય અનેક પરીવારોના બજેટ ખોરવાઇ ગયા છે.

ચણા-ચણાદાળ અને તુવેરદાળમાં સટ્ટાકીય તેજીના કારણે ભાવવધારો થયો છે. કોરોનાના કારણે કોઇ ઘરાકી ન હોવા છતા ચણાદાળ અને તુવેરદાળના ભાવો સટાકીય તેજીના કારણે વધી રહયા છે. જયારે અડદ અને મગના પાકમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે નુકશાન થતા ભાવો વધી રહયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

ચાલુ વર્ષે સતત વરસાદના કારણે લોકોને લીલા શાકભાજીના અસહય ભાવવધારાનો સામનો કરવો પડયો હતો અને હવે લીલા શાકભાજીના ભાવો ઘટી રહયા છે ત્યારે કઠોળના ભાવો ફરી ભડકે બળતા ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બની ગઇ છે.

(2:39 pm IST)