Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય હતો હવે સરકારે જ વેપાર બનાવ્યો

૨૫ ટકા ફી માફી લોલીપોપ સમાન : કોંગ્રેસ વાલીઓ-વિદ્યાર્થીના હિતમાં લડત ચલાવશે : ડો. મનિષ દોશીના પ્રહારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા.૨: વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠ્પ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે તમામ ચિંતામાં છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પ્રથમ દિવસથી જ સરકારને એક સત્ર ફી માફી માટે રજૂઆત કરી હતી. સૌથી પહેલા શાળા-કોલેજો – શૈક્ષણીક સંકુલો બંધ થયા અને નવેમ્બર સુધી શાળા-કોલેજો ખુલે તેવી કોઈ શકયતા જોવા મળી રહી નથી. તેવા સંજોગોમાં એક સત્ર ફી માફીની વ્યાજબી માંગને અવગણીને ભાજપ સરકારે ખાનગી શાળા-સંચાલકોની વધુ એક વખત તરફેણ કરી છે ત્યારે રાજયના સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓને રાહત મળે તે માટે એક સત્ર ફી માંફીની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સહિત આગેવાનો દ્વારા મહામહિમ રાજયપાલ અને મુખ્યપ્રધાનશ્રીને વિસ્તૃત રજૂઆતો કરી હતી. શાળા કોલેજોને હાલના તબક્કે કોઇ વીજળીનો ખર્ચ નથી, વહીવટી ખર્ચ નથી, એકટીવીટીનો ખર્ચ નથી, મેઈન્ટેનન્સ નથી, અન્ય કોઈ ખર્ચ નથી, તેવામાં પ્રથમ સત્રની ફી માફ કરવી ખૂબ જરૂરી છે. મંદી મોંઘવારી અને કોરોના મહામારીને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત ખૂબ જ કફોડી છે. ત્યારે સરકારે આ બાબતે વિચારવું જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે ફરી એક વખત ભાજપ સરકાર અને ભ્રષ્ટ શિક્ષણ વિભાગે સંચાલકોની તરફદારી કરીને ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓની મુશ્કેલીમાં ઊમેરો કર્યો છે. ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે.

વધુમાં મનિષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારે સંચાલકોની વકીલાત કરીને ગુજરાતના લાખો વાલીઓ સાથે છેતરપિંડી કરી છે. જે સરકાર પહેલા ૧૦૦ ટકા ફી માટે સત્તાવાર વાત કરી રહી હતી, એ સરકાર રાતોરાત ૨૫ ટકા ફી માફીની કેમ જાહેરાત કરે છે? હાઇકોર્ટના લપડાક બાદ સરકારે નિર્ણય કર્યા તે પણ માત્ર ૨૫ ટકા ફી માફી ત્યારે કોંગ્રેસ પક્ષની ફરી એક વખત માંગ છે કે, સરકાર સામાન્ય અને મધ્યમવર્ગના વાલીઓ આર્થિક હાલાકીને ધ્યાનમાં લઈ એક સત્ર ફી માફી કરે. કોઈપણ સંજોગોમાં ૨૫ ટકા ફી માફી યોગ્ય નિર્ણય નથી. એક સત્રની ફી માફી તેમનો હક અને અધિકાર છે જે સરકારે આપવો જોઇએ. ત્યારે આગામી દિવસોમાં તેમનો હક અને અધિકાર માટે કોંગ્રેસપક્ષ ગુજરાતના સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં લડત ચલાવશે.

(12:55 pm IST)