Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સૌના સુખે સુખી, સૌના દુઃખે દુઃખીનો ભાવ ગુજરાતે રાખ્યો છે : વિજયભાઇ રૂપાણી

ગાંધી જન્મ ભૂમિ પોરબંદર કિર્તીમંદિર ખાતે પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીની ડિજીટલ ઉપસ્થિતિ : વિશ્વની બધી સમસ્યાનું સમાધાન ગાંધી વિચારધારામાં છે : ગાંધી મ્યુઝિયમ રાજકોટ - સાબરમતી આશ્રમ - દાંડી કુટીર - નમક સત્યાગ્રહ સ્મારકની ગાંધી ટુરિસ્ટ સર્કિટ વિશ્વભરમાં લોકોને મોટા પાયે પ્રેરિત કરશે : મુખ્યમંત્રી ભાવવિભોર બન્યા

રાજકોટ તા. ૨ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં વીડિયો કોન્ફરન્સથી સહભાગી થતા સ્પષ્ટ મત વ્યકત કર્યો કે વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધીજીની શાશ્વત વિચારધારામાં રહેલા છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પૂજય બાપુની રામરાજય, કલ્યાણ રાજય અને સૌના ઉત્થાનની ભાવના આજે 'સૌના સુખે સુખી, સૌના દુૅંખે દુૅંખી'ની પ્રાર્થના ભાવથી સૌ સાથે મળીને ચરિતાર્થ કરે તે સમય ની માંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા, સફાઇને જે આજીવન અહેમિયત આપી હતી તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આજના કોરોના સંકટના વૈશ્વિક સંક્રમણમાં માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ સેનેટાઈઝ કરવા, દો ગજ કી દુરી થી સોશિયલ ડિસ્ટન્સ એ જ સ્વચ્છતા અને સ્વસ્થતાના સરળ-સહજ ઉપાયો છે.

તેમણે ઉમેર્યું કે પૂજય બાપુએ સ્વરાજય અપાવ્યું અને સ્વરાજયની સંકલ્પના આપી હતી.

આપણે હવે સુરાજય સાથે રામ રાજય એટલે કે સૌના હિત સૌના ઉત્કર્ષની પ્રતિબધ્ધતા પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ ના નેતૃત્વ માં પાર પાડવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે સદા સર્વદા ગાંધીજીના આદર્શ, ગાંધી વિચાર અને તેમના ચિંધેલા માર્ગે ચાલીને દેશ અને દુનિયાનું માર્ગદર્શન કર્યું છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતે સદાચાર, શાંતિ, જસ્ટિસ ટુ ઓલ અપીઝમેન્ટ ટુ નન ના આધાર પર ગાંધીજીના આદર્શ જન-જન સુધી પહોંચે તે માટે પોરબંદર કિર્તિ મંદિરથી શરૂ કરી મહાત્મા ગાંધીના અભ્યાસ સ્થાન રાજકોટ, સાબરમતી આશ્રમ, દાંડી કુટીર અને દાંડી નમક સત્યાગ્રહ સ્મારક સુધીની આખી ગાંધી ટુરિસ્ટ સર્કિટ વિકસાવી છે.

મુખ્યમંત્રીશ્રી એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો કે વિશ્વભરના ગાંધી પ્રેમીઓ ગાંધીજીવન-કવનના અભ્યાસ તથા તેને જોવા- માણવા ગુજરાત આવશે અને આ દર્શનીય સ્થળોમાંથી ગાંધીવિચારની પ્રેરણા મેળવશે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂજય બાપુના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો'ની પંકિતઓ 'પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણે સૌ આ પરોપકાર ભાવ, સેવા ભાવના જીવનમાં અપનાવી સૌના સાથ, સૌના વિકાસને સાકાર કરી પૂજય બાપુને સાચી ભાવાંજલિ આપીએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રામ રાજયની પૂજય બાપુની કલ્પના આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનમાં સૌના કલ્યાણ ભાવથી સાકાર થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત દ્વારા પૂજય બાપુના સર્વગ્રાહી વિકાસના વિચારો પણ પરિપૂર્ણ કરવા ગુજરાત પ્રતિબદ્ઘ છે.

આ પ્રાર્થના સભામાં પોરબંદર ખાતે પ્રવાસન મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ  રમેશભાઈ, ધારાસભ્ય બાબુભાઇ સહિત અગ્રણીઓ, નાગરિકો પણ જોડાયા હતા.

(3:18 pm IST)