Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સુરતના શિક્ષક શ્રીધરભાઇનો કોરોના મહામારીની રાહતમાં મોટો ફાળોઃ ૩ વખત પ્લાઝમા ડોનેટ કર્યા અને ૨૫ વખત રક્તદાન કર્યું

સુરતઃ કોરોના મહામારીને મ્હાત આપવા ઉપયોગી થતાં પ્લાઝમાના ડોનેશન માટે સુરતના શહેરીજનો રાજ્યભરમાં અગ્રેસર રહ્યા છે. 51 વર્ષીય શ્રીધરભાઇ કોન્ટ્રાક્ટરે ત્રણ વખત પ્લાઝમાનું ડોનેશન કરીને સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. તેમણે 25 વખત રક્તદાન તથા  150થી વધુ વખત સિંગલ ડોનર પ્લેટલેટ્સ(એસડીપી) દાન પણ કર્યું છે.
શ્રીધરભાઇ સુરતના ઘોડદોડ રોડ ખાતે રહે છે. વ્યવસાયે શિક્ષક છે. તેઓ જણાવે છે કે, ‘‘2001માં કોલેજના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલા કેમ્પમાં રકતદાન કર્યું હતું. 2005માં  પિતાને કાર્ડિયાક એટેક આવ્યો અને તે સમયે 8 યુનિટ લોહી મેળવવા ખુબ મુશ્કેલીઓ પડી. જેમાંથી પ્રેરણા લઇ  અન્ય કોઈ દર્દીને બ્લડની મુશ્કેલી ન તે માટે નિયમિત રકતદાન કરૂ છું’’.
બ્લડ કેન્સર કે ડેન્ગ્યું જેવા ગંભીર રોગોમાં શ્વેતકણો ઝડપથી ઘટી જતાં હોય છે. એવા સમયે સિંગલ ડોનર પ્લેટલેટ્સની જરૂરિયાત ખુબ અનિવાર્ય થઈ જાય છે. જેથી શ્રીધરભાઇએ  ૧૫૮ વખત સિંગલ ડોનર પ્લેટલેટ(SDP) આપ્યા છે.
કોરોનાની મહામારીમાં પ્લાઝમા એક અસરકારક હથિયાર સાબિત થયું છે. શ્રીધરભાઇ કહે છે કે, ‘‘કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો પરંતુ મારા શરીરમાં માત્રા ફક્ત ૨ % હતી જેથી ઝડપથી રિકવર થઇ પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો. ઓગસ્ટમાં પહેલી વખત પ્લાઝમા ડોનેટ કર્યું.  ત્યારબાદ બે વાર એમ કુલ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. પ્લાઝમા ડોનેટ કરવાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે?
પ્લાઝમા ડોનેટ કરવા કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે જે ખરેખર પ્રેરણાદાયી છે. આવા કોરોના યોધ્ધાઓ થકી કોરોના મહામારીને નાથવા પણ ચોક્કસ સફળતા મળશે.

(5:39 pm IST)