Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગાંધીનગર જિલ્લામાં સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી છેતરપિંડી આચારનારને પકડવા પોલીસ તંત્ર સજાગ

ગાંધીનગર:જિલ્લાના વિવિધ પોલીસ મથકોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ની ટીમે સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ડુપ્લીકેટ સોનુ પધરાવાના ગુનામાં છેલ્લા ૧પ વર્ષથી ફરાર આરોપીને કચ્છમાંથી ઝડપી પાડયો છે અને સે-ર૧ પોલીસના હવાલે કર્યો છે. જેની પુછપરછમાં અન્ય ગુના ઉકેલાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.        

ગાંધીનગર જિલ્લામાં વિવિધ પોલીસ મથકના ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર પીઆઈ એચ.પી.ઝાલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી અગાઉના ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને પીએસઆઈ એસ.પી.જાડેજાને બાતમી મળી હતી કે સે-ર૧ પોલીસ મથકમાં વર્ષ ર૦૦૫ના છેતરપીંડીના ગુનામાં ફરાર આરોપી શેરખાન મજીદખાન પઠાણ રહે.મદન, તા.જી.કચ્છ હાલ પોતાના ગામમાં હાજર છે જે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો. સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી નકલી સોનુ પધરાવતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ તેની અટકાયત કરી સે-ર૧ પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે. 

(5:45 pm IST)