Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ગાંધી જયંતીએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની અનોખી ઉજવણી થઈ

રાજ્યભરમાં ૮૩૫ નંદ ઘરના ઈ- ખાતમુહૂર્ત-લોકાર્પણ : સ્વચ્છતા-સ્વસ્થતા ત્યાં પ્રભુતાનો મહાત્મા ગાંધીનો મંત્ર કોરોના સંક્રમણ સામે અપનાવી મહામારીને હરાવી શકાશે

અમદાવાદ, તા. ૨ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિની રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકેની રાજ્યવ્યાપી ઉજવણીમાં ૩૮૦૦થી વધુ સ્થળોએ પાંચ લાખ બહેનો - માતાઓના હેન્ડ વોશિંગ કેમ્પેઇનના અભિનવ પ્રયોગનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીજીએ આપેલા સ્વચ્છતા - સ્વસ્થતા ત્યાં પ્રભુતાના મંત્રને કોરોના સંક્રમણના આ કાળમાં અપનાવી હેન્ડ વોશિંગ - હાથ સેનેટાઇઝ કરવા, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સના પાલનથી કોરોના સામેની લડાઇ આપણે જીતવી છે. તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતાના આગ્રહી રહ્યા એટલું જ નહીં તેમણે આઝાદી અને સ્વચ્છતા બેમાંથી કોઇ એકની પસંદગીમાં સ્વચ્છતાને પહેલી પસંદ ગણાવી હતી. સ્વચ્છતાથી પ્રભુતા અને સ્વચ્છતા ત્યાં જ ઇશ્વરનો વાસ એમ જણાવતાં મુખ્ય મંત્રીએ કહ્યું કે ઈશ્વર એટલે કલ્યાણ અને સ્વચ્છતા થકી જ કલ્યાણ ભાવ સાકાર થાય.

                  આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ જ આદર્શો પર ચાલીને સ્વચ્છ ભારત અભિયાન ઉપાડ્યું અને વિશ્વમાં ભારતની છબિ સ્વચ્છ રાષ્ટ્ર તરીકે ઉજાગર કરી છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ જ સ્વચ્છતાના ભાવની આજના સાંપ્રત સમયમાં આવશ્યકતા સમજાવતા આ હેન્ડ વોશિંગ કેમ્પેઇન રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની નારી શક્તિ માતા-બહેનોનું આ અભિનવ અભિયાન કોરોના સામેની લાંબી લડાઈમાં જીત મેળવશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાને મ્હાત કરવામાં આ કેમ્પેઈન સૌને નવી પ્રેરણા આપશે. આ હેન્ડ વોશિંગ અભિયાન ગ્રામીણ વિસ્તારો સુધી જનજાગૃતિ લાવનારુ બનશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ આયોજિત આ કાર્યક્રમ અન્વયે ૫૯ કરોડ ૮૭ લાખના ખર્ચે થનારા ૮૩૫ જેટલા નંદ ઘરનું અને વિવિધ સેજા કેન્દ્રોના ઈ- ખાતમુહૂર્ત - લોકાર્પણ સંપન્ન કર્યા હતા. તેમણે રાજ્યની આંગણવાડી નંદઘરમાં વિવિધ માળખાકીય સુવિધાઓના મોનિટરિંગ માટેની નંદ ઘર ઇન્ફર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન અને ડેશ બોર્ડના ઈ-લોન્ચિંગ પણ ગાંધીનગરથી કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આંગણવાડી-નંદઘરમાં બાળગોપાળની સાર-સંભાળ રાખતી કાર્યકર અને તેડાગર બહેનોની શ્રેષ્ઠતાનું સન્માન કરતાં રાજ્યકક્ષાના માતા યશોદા એવોર્ડ બે બહેનોને તેમજ મહિલા પુરસ્કારો પાંચ વ્યક્તિ વિશેષોને અર્પણ કર્યા હતા.

તેમણે આ આંગણવાડી વર્કર બહેનોને ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે નવાજતા કહ્યું કે, આ બહેનોની સેવાઓ અભિનંદનને પાત્ર છે.  વિજય રૂપાણીએ મહિલા શક્તિના ગૌરવ અને સન્માનની આપણી પરંપરામાં સ્ત્રી દાક્ષિણ્ય સમાયેલું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે માતા બહેનોના સર્વગ્રાહી ઉત્કર્ષ, કલ્યાણ અને મહિલા સુરક્ષાના પગલાઓમાં વિશેષ ધ્યાન આપીને ગાંધી, સરદાર સાહેબ તથા નરેન્દ્રભાઈના ગુજરાતની પ્રતિષ્ઠા વધુ ઉન્નત બનાવી છે. તેમણે સ્વચ્છ-સ્વસ્થ ભારત, સહી પોષણ દેશ રોશનનો આ બહુવિધ સંકલ્પ સાકાર કરતા અવસરને સફળતાપૂર્વક રાજ્યમાં પાર પાડવા માટે વિભાગને અભિનંદન આપ્યા હતા. મહિલા બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ કોરોના સંક્રમણ સામે મહિલા શક્તિની જાગૃતિનો આ પ્રયોગ દિશા દર્શક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

(7:21 pm IST)