Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ચેમ્બરની વિવિધ કમિટિને કામગીરીના ટાસ્ક સોંપાશે

ગુજરાત ચેમ્બરને ફરી ધબકતું કરવાની ક્વાયત : વેપારીઓના હિતમાં માત્ર બેઠકો યોજવાને બદલે કેવા પગલાં લઈ શકાય એ માટે સભ્યોના સુચનો પણ મેળવાશે

અમદાવાદ, તા. ૨ : ભારે વિવાદો બાદ યોજાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમાં વિજયી ઉમેદવારોએ કાર્યભાર સંભાળી લીધો છે. વિવિધ ક્ષેત્રે કામ કરતી કમિટિઓના ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે. હવે હોદ્દેદારો દ્વારા તમામ કમિટીના ચેરમેનને વર્ષ દરમિયાન કેવી રીતે કામગીરી કરવી કે જેને કારણે વ્યાપાર ધંધા ઉદ્યોગોને ફાયદો થાય તેના માટેના ખાસ ટાસ્ક આપવામાં આવશે. સાથે સાથે જુદી જુદી કમિટી ચેરમેન તથા સભ્યોના સૂચનો પણ લેવામાં આવશે તેમ ચેમ્બરના હોદ્દેદારો જણાવી રહ્યા છે.

ચેમ્બરના હોદ્દેદારો બાદ જે તે કમિટિમાં સ્થાન મેળવવા માટે સભ્યો દ્વારા ઘણું લોબિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ કમિટિની રચના અને કમિટિઓના ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે. હવે કમિટિના સભ્યો નિયમિત મિટિંગ કરી એજન્ડા મુજબ કામગીરી કરતા થાય તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

ચેમ્બરના હોદ્દેદારોના જણાવ્યા મુજબ દરેક કમિટિને તેઓ વર્ષ દરમિયાન શું કામગીરી કરવા માગે છે અને તેમનો એજન્ડા તથા તેમના સૂચનો શું છે તે જાણવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે સાથે હોદ્દેદારો દ્વારા પણ દરેક કમિટિને જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય સૂચનો આપવામાં આવી રહ્યા છે. દરેક કમિટિને ચેમ્બરના હોદ્દેદારો દ્વારા ખાસ ટાસ્ક આપવામાં આવશે જેને લઇને જે ક્ષેત્રનું કમિટિ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે તે ચોક્કસ ક્ષેત્રમાં વ્યાપાર ધંધા ઉદ્યોગોને ફાયદો થઇ શકે.

ગત વર્ષ દરમિયાન ચેમ્બરની વિવિધ કમિટિ દ્વારા માત્ર ચેમ્બરના કોન્ફરન્સ રૂમમાં મિટિંગ કરી ચર્ચાઓ જ કરવામાં આવી હોવાના વ્યાપારી સભ્યો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે માટે કમિટિઓની કામગીરીમાં ગત વર્ષનું પુનરાવર્તન થાય નહીં તેના માટે પણ હોદ્દેદારો સક્રિય બની ગયા છે.

(7:28 pm IST)