Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સંસ્કૃત ભારતી વિરમગામ દ્વારા તાલુકા ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગ યોજાયો

સમાપન સમારોહમાં શિક્ષાર્થીઓએ સંસ્કૃત ગીત, કથા, દૂરવાણી સંભાષણ, સંસ્કૃતમાં સ્વપરિચય અને દિનચર્યા, સંખ્યા અને સમય સહિતના કાર્યક્રમોને પ્રસ્તુત કર્યા

સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજેન્દ્રપ્રસાદ શાત્રીજી, મુખ્ય વક્તા તરીકે ડૉ. ભરતભાઈ કણઝરિયા તથા સારસ્વત અતિથિ તરીકે  નીલકંઠભાઈ વાસુકીયાની ઉપસ્થિતિ રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રેરિત અને સંસ્કૃતભારતી વિરમગામ દ્વારા આયોજિત તાલુકા ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગનું દસ દિવસાત્મક આયોજન કરવામાં આવ્યું હતુ. નોન પ્રોફિટ ઓર્ગેનાઇજેસન એવી સંસ્કૃત ભારતી કે જે વિશ્વના 22  દેશોમાં સંસ્કૃતભાષાનો પ્રચાર-પ્રસાર કરે છે. તેનાં દ્વારા લોકડાઉનમાં  કોરોનારૂપી આફતને અવસરમાં બદલવા માટે આ સમય દરમિયાન નિઃશુલ્ક ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભારતી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર, સંસ્કૃત દ્વારા સંસ્કૃતિનું રક્ષણ અને સંસ્કૃત વ્યવહાર ભાષા સંસ્કૃત બને તે માટે અનેક પ્રકલ્પ દ્વારા સંસ્કૃત ભાષાની  કરી રહી છે. સંસ્કૃત સંભાષણ વર્ગ દ્વારા સરળ સંસ્કૃત જન જન સુધી લઈ જવું તે તેનું મુખ્ય કાર્ય છે. સમાપન સમારોહમાં શિક્ષાર્થીઓએ સંસ્કૃતમાં બધા જ કાર્યક્રમો  ઉત્તમોત્તમ રીતે પ્રસ્તુત કર્યા હતા. જેમકે સંસ્કૃત ગીત, કથા, દૂરવાણી સંભાષણ, સંસ્કૃતમાં સ્વપરિચય અને દિનચર્યા, સંખ્યા અને સમય વગેરે કાર્યક્રમોને ઉત્કૃષ્ટ રીતે સંસ્કૃત ભાષામાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
        સંસ્કૃતભારતી વિરમગામ જિલ્લાના તાલુકા ઓનલાઈન સંસ્કૃત સંભાષણ વર્ગને સફળ બનાવવા માટે જિલ્લા સંયોજક મહેશભાઇ ઝાલા, વર્ગના મૂખ્ય શિક્ષક દિગ્વિજયસિંહ સરવૈયા સહ શિક્ષક  ડૉ.દેવેન્દ્રભાઈ જોષી અને ટેકનિકલ શિક્ષક મહેશભાઇ ઝાલાએ ખૂબ મહેનત કરીને આ વર્ગને સફળ બનાવ્યો હતો. આ વર્ગના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજેન્દ્રપ્રસાદ શાત્રીજી, મુખ્ય વક્તા તરીકે ડૉ. ભરતભાઈ કણઝરિયા તથા સારસ્વત અતિથિ તરીકે  નીલકંઠભાઈ વાસુકીયા ઉપસ્થિત રહ્યા હતા.

(8:07 pm IST)