Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કેશવપુરામાં પરિવારના સભ્ય સમાન શ્વાનનું મૃત્યુ થતા સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આજુબાજુના ગામો સહિત 1000 જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કેશવપુરા ગામમાં આવેલા કે જી ફાર્મ હાઉસના માલિક ગાભુભાઈ મકવાણા (રાવત સમાજ સમિતિ પ્રમુખ) 3 વર્ષ પહેલા રોટવીલર ડૉગના બચ્ચાને ફાર્મ હાઉસ ખાતે લાવ્યા હતા. જેનું નામ ટાઈગર રાખવામાં આવ્યુ હતુ. જે પરિવારના સભ્યો સાથે હળીમળી ગયેલો હતો. 6 માસ થતા ફાર્મ હાઉસ સહિત પરિવારની સુરક્ષા બાબતે વફાદાર ટાઈગર સજાગ થઈ ગયેલો હતો. ગાભુભાઈ મકવાણા સહિત પરિવારજનો પણ ટાઈગરને ખૂબ પ્રેમ કરતા હતા. તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ફાર્મ હાઉસ ખાતેના બંગલામાં પ્રવેશી રહેલા સાપને જોઈ જતા તેણે સાપ ઉપર હુમલો કરી મારી નાખેલ જે દરમિયાન સાથે દંશ મારતા ટાઈગરનુ મોત થયુ હતુ.  શ્વાન ટાઇગરની ફાર્મ હાઉસમાં જ સમાધિ બનાવવામાં આવેલ છે. 

પરિવારના સભ્યો દ્વારા ટાઈગરનું મોત થતા 28 સપ્ટેમ્બરના રોજ કેજી ફાર્મ હાઉસ ખાતે સુંદરકાંડના પાઠ સહિત સંતવાણી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સરકારની પ્રવર્તમાન ગાઇડલાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાધુ સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. પ્રસિદ્ધ અંજલી મંદિર અમદાવાદ મહંત વિજય દાસજી મહારાજ, પ્રભુદાસ સાધુ મહંત રામજી મંદિર કમીજલા, હસુરામ બાપુ કુંડળ જુનાગઢ, મહંત મહેન્દ્રગિરિ 1008 મહામંડલેશ્વરના વડીલ બંધુ (વનાળા,રાજકોટ), હરિબાપુ ભૂદેવ (વનથળ) સહિત સાધુ સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તેમજ જીગ્નેશ કવિરાજ, રસિક બારોટ, મનીષા બારોટ, ગોપાલ બાપુ, બાબુભાઇ ભાલકીયા, સોનુ રાવત ગોવિંદ ગોપાલ (ખુડદ) વગેરે દ્વારા ભજન સંતવાણીની રમઝટ બોલાવેલ તેમજ પંથકના આગેવાનો ભાઇરામભાઈ તળપદા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, ઝીણાભાઈ પૂર્વ સરપંચ, અશોકભાઈ વેજલપુર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આજુબાજુના ગામો સહિત 1000 જરૂરિયાત મંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે અશોકભાઈ ચૌહાણ, હરિબાપુ (વનથળ), આરપી પનારા દ્વારા જહેમત ઉઠાવવી હતી.

(8:21 pm IST)