Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પાંચ લાખ મહિલાએ એકસાથે હેન્ડ વોશિંગ કરી રેકોર્ડ સર્જ્યો

માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ગાંધીજીના સ્વચ્છતાના વિચારો પહેલાં જેટલા પ્રસ્તુત હતાં તેટલાં આજે પણ એટલાં જ પ્રસ્તુત છે : ભુપેન્દ્રસિંહ

ગાંધીનગર, તા. ૨ : પૂ. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ/ ભૂમિપૂજન તથા NITA (નંદધર ઇન્ફર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આજે ગાંધીજીની જન્મ જ્યંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહી હતા. તેમના આ મૂલ્યો- વિચારને મૂર્તિમંત કરવાં માટે તથા આગળ ધપાવવા માટે વર્ષ-૨૦૧૪ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીજીના ''સ્વચ્છતા ત્યાં પ્રભુતા'' ના વિચારને  જનસમાજમાં પ્રસ્થાપિત કરવા માટે આજે રાજ્યની પાંચ લાખ મહિલાઓ એકસાથે 'હેન્ડ વોશિંગ' કરીને રેકોર્ડ સર્જ્યો છે. ગાંધીજીના સ્વચ્છતાના વિચારો પહેલાં જેટલા પ્રસ્તુત હતાં તેટલાં આજે પણ એટલાં જ પ્રસ્તુત છે.

               સમયાંતરે સમાજવાદ, મૂડીવાદ વગેરે વિચારો આવ્યાં અને તેમાં પરિવર્તન થયું, પરંતુ ગાંધીજીના વિચારો ૧૫૦ વર્ષ પછી પણ છે એટલા જ શાશ્વત રહ્યા છે જેટલાં પહેલાં હતાં તે ગાંધી વિચારોનું મહત્વ દર્શાવે છે, તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતિ પણ આજે  દેશભરમાં ઉજવાઇ રહી છે તેનું સ્મરણ કરીને કહ્યું કે, આજે કોરોના કાળમાં આપણને સ્વચ્છતાનું મહત્વ સમજાયું છે. સ્વચ્છતાથી જ આ મહામારી સામે કાબૂ મેળવી શકાશે. તેમણે કહ્યું કે, સ્વચ્છતા એક સરળ કદમ છે, પરંતુ ક્યાંક આપણી બેદરકારી અને આળસને કારણે તેને અમલમાં મૂકી શકતા નથી, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 'ગાંધી ૧૫૦' ની ઉજવણી કરીને પૂ. બાપુને દેશ વતીથી સ્વચ્છતાની સાચી અંજલિ આપી હતી. તંદુરસ્તી એ સ્વચ્છતા માટે ખૂબ જરૂરી છે. મારું આંગણું, મારી શેરી સ્વચ્છ તો સમગ્ર ગામ સ્વચ્છ અને જેટલી ચોખ્ખાઈ હશે તેવો ભાવ કેળવવાથી કોરોનાથી બચવાની સંભાવનાઓ વધી જશે. ધેટાં-બકરાં ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઇ ભરવાડે કહ્યું કે, પૂ. બાપુને પસંદ એવી સ્વચ્છતાને ''સ્વચ્છાગ્રહ'' તરીકે ગુજરાતે અપનાવી ગાંધીજીને સાચી ભાવાંજલિ અર્પણ કરી છે. ગાંધીજીએ ચીંધેલો આ સંદેશ સમગ્ર વિશ્વને માર્ગદર્શિત કરશે. મંત્રીના હસ્તે ટોકન રૂપે ૧૦ કિશોરીઓને સ્વચ્છતા કીટ અર્પણ કરવામાં આવી હતી.

આંગણવાડીમાં પ્રશંસનીય કામગીરી કરનાર મહિલા કાર્યકર બહેનોને રૂ. ૩૧ હજાર તથા તેડાગર બહેનોને રૂ.૨૧ હજારના ચેક અને પ્રશસ્તિપત્ર આપીને ''માતા યશોદા એવોર્ડ'' થી સન્માનિત કરવામાં આવી હતી. અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું કે, આવતીકાલની પેઢીની તંદુરસ્તી માટે આંગણવાડી બહેનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી રહી છે.

તંદુરસ્ત બાળક માટે યોગ્ય પોષણ મળે તે જરૂરી છે. તે ઉપરાંત બાળકમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાય તે માટે આંગણવાડીની બહેનો મહત્વપૂર્ણ કામગીરી બજાવે છે. તેઓને સન્માનવા માટે આજે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તે ગાંધીજીના સ્વચ્છતાના મૂલ્યોને સાચી અંજલિ સમાન છે.

(9:22 pm IST)