Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

નર્મદા જિલ્લાનો આજે 2 ઓક્ટોબર 2020 ગાંધી જયંતિના દિવસે 23 મોં સ્થાપના દિવસ : સંપૂર્ણ વિકાસ ક્યારે થશે.?

નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી અલગ થયાને 23 વર્ષ વીત્યા છતાં હજુ પછાત જિલ્લાઓમાં જ સ્થાન : સરકારે ફક્ત વોટ બેંક ઉભી કરવા જિલ્લો અલગ કરી પાંચ તાલુકાઓ પણ પાડ્યા છતાં જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ સહિતની કેટલીક કચેરીઓ કાર્યરત નથી થઈ.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :ઉદ્યોગ વેપારથી ધમધમતા સુરત અને વડોદરાની વચ્ચે આવેલા ભરૂચ જિલ્લાનો આદિવાસી બહુલ વસ્તીના પ્રદેશને 2 ઓક્ટોબર 1997ને ગાંધી જ્યંતીના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ નર્મદા જિલ્લા તરીકે માન્યતા અપાતા અને આ વિસ્તાર માંથી પસાર થતી નર્મદા નદીના નામથી જિલ્લાનું નર્મદા નામ જાહેર થતા 2 ઓક્ટ 1997 થી એટલે કે 23 વર્ષ થી નર્મદા પોતે અલગ જિલ્લો ગુજરાતના નકશા પર છે છતાં પણ જિલ્લા નો વિકાસ અધૂરો છે અને ત્યારથી આ જિલ્લો વિકાસ ઝંખે છે.

  નર્મદા જિલ્લામાં દર વર્ષે વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવેછે ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ આયોજન મંડળની ગ્રાન્ટ એમ પી / એમ એલ એની ગ્રાન્ટ વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ ગ્રામવિકાસની ગ્રાન્ટના નામે જિલ્લામાં કરોડો રૂપિયા દર વર્ષે ઠલવાય છે છતાં હજુ પણ જિલ્લો વિકાસથી વંચિત છે

 જિલ્લાની સ્થાપના બાદ પણ જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે પછાત છે જિલ્લામાં એન્જિનિરીંગ મેડિકલ કે અન્ય ટેક્નિકેલ શિક્ષણનો અભાવ છે જિલ્લામાં કોઈ સારી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નથી ઉપરાંત એક માત્ર સિવિલ હોસ્પિટલ જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે કાર્યરત છે પરંતુ અહીંયા યોગ્ય સુવિધાઓનો અભાવ અને તબીબોની ઘટ ના કારણે દર્દીઓને વડોદરા રીફર કરવા પડે છે રોજગારીના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં રોજી અર્થે લોકો અન્ય જિલ્લામાં હિજરત કરે છે.

 દુનિયા જ્યારે 5G ની હરોડમાં છે ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાં નર્મદા જિલ્લામાં સાગબારા ડેડીયાપાડા તાલુકાઓ ના કેટલાય ગામોમાં નેટવર્ક સુદ્ધા નથી ત્યારે વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્નું કઈ રીતે સાકાર થશે ? અંતરિયાળ વિસ્તારોમાં સાગર્ભઓ ને હજુપણ ઝોળી બનાવી મુખ્ય ગામો સુધી લઈ જવી પડે છે ઉપરાંત ચોમાસા માં કેટલાય ગામડાઓ મુખ્ય શહેરોથી સંપર્ક વિહોણા રહે છે ,
 કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના આકર્ષણો ઉભા થયા પરંતુ સ્થાનોકોમાં હજુ પણ અસંતોષ છે ?
 નર્મદા અને કરજણ ડેમ જેવી મોટી સિંચાઈ યોજનાઓ છે પણ કેનાલ વ્યવસ્થાના ધાંધિયા હોવાથી ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતર સિંચાઈ માટે તરસ્યા છે ત્યારે કોઈ પણ જિલ્લની સ્થાપના બાદ 23 વર્ષ વિકાસ માટે પૂરતા છે ત્યારે નર્મદા જિલ્લાનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે ધ્યાન આપી એકશન પ્લાન બનાવી નર્મદા જિલ્લા ને અન્ય વિકસિત જિલ્લાની હરોળમાં સ્થાન આપવું જોઈએ તેવી જિલ્લા વાસીઓની લાગણી છે

નર્મદા જિલ્લાને શિક્ષણ આરોગ્ય તેમજ પ્રાથમિક સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓ જ્યારે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત ઉપલબ્ધ થશે ત્યારે ખરા અર્થમાં નર્મદા જિલ્લાનો વિકાસ થયો ગણાશે.માત્ર વિકાસ ની વાતો કરવાથી કોઈ જિલ્લાનો વિકાસ થતો નથી.

(11:03 pm IST)