Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

રાજપીપલા એસ.ટી ડેપો પર છોટાઉદેપુર સુરતની બસમાંથી 16 લાખના હીરા ગાયબ

હીરાના પાર્સલની ચોરી કોઈ જાણ ભેદુએ કરી હોવાની ચર્ચા

રાજપીપલા એસ.ટી ડેપો પર છોટાઉદેપુર સુરતની બસ માંથી 16 લાખના હીરાની ચોરી થઈ હોવાની એક ઘટના સામે આવી છે. રાજપીપલા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હીરાના પાર્સલની ચોરી કોઈ જાણ ભેદુએ કરી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે.

ઘટનાની વિગત મુજબ છોટાઉદેપુરથી સુરત જતી એસ.ટી બસ નંબર જી.જે 18 ઝેડ 6555 ના બસના ડ્રાઇવર ઈમ્તિયાઝ એહમદ મકરાણીને આંગણિયા કર્મચારીએ સમસુદ્દીન ખોખરનું 6.50 લાખની કિંમતના 5900 નંગ હીરાનું એક પાર્સલ, પ્રકાશ પૂજા વણકરના 1.10 લાખની કિંમતના 544 નંગ હીરાનું પાર્સલ, મનીષ રાઠવાના 4.51 લાખની કિંમતના 1173 નંગ હીરાનું પાર્સલ અને હરેશ રાઠવાના 4.50 લાખની કિંમતનું 1150 નંગ હીરાનું એક પાર્સલ સુરત વેહલી તકે પહોંચે એ માટે આપ્યું હતું.

હવે બસ ડ્રાઇવર એ હીરાના 4 પાર્સલ પોતાની સીટ નીચે સુરક્ષિત મૂકી રાખ્યું હતું.બસ રાજપીપલા ડેપો પર પહોંચતા ડ્રાઇવર નાસ્તો કરવા નીચે ઉતર્યો હતો. પછી તુરંત બસમાં ચઢ્યો તો જોયું કે હીરાના ચારેવ પાર્સલ ગાયબ હતા. આ બાબતે રાજપીપલા પોલીસને જાણ કરતા સી.સી.ટી.વી ફૂટેજ દ્વારા જણાયુ કે એક મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા વ્યકિતએ બસની ડ્રાઇવર સાઈડનો દરવાજો ખોલી હીરાના 4 પાર્સલ ચોરી કરી જતો રહ્યો હતો. આ બાબતે ડ્રાઇવરની ફરિયાદને આધારે રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, હાલ રાજપીપલા ટાઉન પી.આઇ જે.કે.પટેલ આ કેસની તપાસ કરી રહ્યા છે.

(7:08 pm IST)