Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી તથા અન્ય સ્વરાજયના એકમોની પેટાચૂંટણી જાહેર

28મી નવેમ્બરે નગરપાલિકાની સામાન્ય તથા નગરપાલિકા અને તાલુકા પંચાયની પેટા ચૂંટણી યોજાશે: આચારસંહિતાનો અમલ, બદલી તથા રજા પર પ્રતિબંધ

અમદાવાદ :રાજયની વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા અય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી 28મી નવેમ્બર રોજ યોજવાની આજે રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમમાં વાપી નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો ઉપરાંત ત્રણ નગરપાલિકાઓની તથા તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે.

રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેર કરવાની સાથોસાથ આચારસંહિતા પણ અમલી બની હોવાથી ચૂંટણી હેઠળના જિલ્લાઓના રાજય સરકારના વિવિધ ખાતાના વડા તેમજ અધિકારીઓ સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પેટા ચૂંટણી દરમિયાન તાકીદના કારણો સિવાય તેઓની હેઠળના આ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ/ અધિકારીઓની રજા મંજુર કરવી નહી તેમજ બદલી કરી શકાશે નહીં.

સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂંક આપી શકાશે નહીં. ઉપરાંત ચૂંટણી પ્રભાવિત થાય તેવી કોઇપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં તેમજ વચનો આપી શકાશે નહીં. કોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકાશે નહીં. વિવેકાધીન ફંડમાંથી ચૂંકવણી મંજુર કરાશે નહીં. આ બાબતે બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના વડાઓના ધ્યાન પર તાત્કાલિક મૂકવા વિનંતી કરી છે. આ સૂચનાનો અમલ મતગણતરી પૂર્ણ થાય તે તારીખ સુધી કરવાનો રહે છે.

ચૂંટણીનો કાર્યક્રમ

જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ 8-11-2021

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13-11-2021

ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 15-11-2021

ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 16-11-2021

મતદાનની તારીખ 28-11-2021

પુન : મતદાનની તારીખ ( જરૂરી હોય તો ) 29-11-2021

મત ગણતરીની તારીખ 30-11-2021

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 4-12-2021

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાશે. જયારે આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાની , જૂનાગઢના માંગરોળ નગરપાલિકા તથા જામનગર જિલ્લાના કાલાવાડ નગરપાલિકાની એક-એક બેઠકોની મળીને કુલ ત્રણ બેઠકોની પેટાચૂંટણી યોજાશે. જયારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકા પંચાયતની સામાન્ય ( સ્ત્રી ) અને હારીજની અનુસૂચિત આદિજાતિની એક-એક બેઠક ઉપરાંત મહેસાણાના ખેરાલુ તાલુકા પંચાયતની બિન અનામત સામાન્ય, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની અનુસૂચિત જાતિ, સુરતના મહુવા તાલુકા પંચાયતની અનુસૂચિત આદિજાતિ અને સાબરકાંઠાના ખેડબ્રહ્યા તાલુકા પંચાયતની અનુસૂચિત આદિજાતિની બેઠક મળીને કુલ છ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે

(10:32 pm IST)