Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે દેશના ઉત્કર્ષ- ઉન્નતિ માટે ભગવાન સ્વામિનારાયણ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરી આશિર્વાદ મેળવ્યા

સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરના દર્શન કર્યા:બી.એ.પી.એસ. મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજની સમાધિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા: કુંડળધામ ખાતે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કર્યા

અમદાવાદ :ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગુહ મંત્રી તથા સહકાર મંત્રી અમીતભાઈ  શાહે આજે બોટાદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ કુંડળધામમા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રીએ કુંડળધામ ખાતેના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સ્થિત ભક્તેશ્વર મહાદેવ અને ભગવાન નીલકંઠની મૂર્તિના પણ ભાવપૂર્વક દર્શન કર્યા હતા.

આ અવસરે કુંડળધામ મંદિરના સંતો અને મહંતો દ્વારા કેન્દ્રિય ગૃહ મંત્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે કુંડળધામ ખાતેના મુખ્ય મંદિર તથા શ્રી કુંડલેશ્વર મહાદેવ ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી હતી. અહીં ઉપસ્થિત સંતગણોએ કેન્દ્રિય ગૃહમંત્રીનુ ફુલહારથી સ્વાગત સન્માન કર્યું હતું. કેન્દ્રિય ગૃહ મંત્રીએ દેશના ઉત્કર્ષ – ઉન્નતિ માટે ભગવાન સ્વામિનારાયણ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરી આશિર્વાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાને દરબારગઢની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. આ અવસરે કુંડળધામ મંદિર તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી રાહતફંડમાં 11 લાખનું દાન આપવામાં આવ્યું. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના ગુરૂશ્રી પ.પૂ.શ્રી જ્ઞાનજીવનદાસજીએ અમિત શાહને આર્શિવચન પાઠવ્યા હતા. સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને દેશનુ સફળ નેતૃત્વ કરી દેશ ઉત્થાનની કામગીરી માટે શુભાશિષ અર્પણ કર્યાં હતાં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે કુંડળધામ ખાતે સત્સંગીઓની 30મી ચિંતન શિબિરનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગીતકાર દલેર મહેંદી અને સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ સહિત બોટાદ જિલ્લા તેમજ રાજ્યના સેવાભાવી લોકોનું સ્વામીજી અને ગૃહમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જયારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહના ધર્મપત્ની સોનલબેન શાહનુ સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કષ્ટભંજન મંદિર ખાતે પણ દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ અમિત શાહે મંદિરના કોઠારી સ્વામી સાથે સત્સંગ પણ કર્યો હતો. કષ્ટભંજન મંદિરના દર્શન બાદ બી.એ.પી.એસ મંદિર સ્થિત પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મંદિરના બ્રહ્મવિહારી સ્વામી અને સંતો સાથે ભોજન-પ્રસાદ લીધો હતો.

આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, બોટાદ જિલ્લાના પ્રભારીમંત્રી વિનોદ મોરડીયા, ધારાસભ્યો આત્મારામ પરમાર, સૌરભ પટેલ, ભાજપના અગ્રણી ભરત પંડયા, ઘનશ્યામદાસ સ્વામી, અચ્યુકદાસ સ્વામી, દેવપ્રકાશદાસજી, ઈશ્વરચરણદાસજી, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભા વાધેલા, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણ સિંધ સાદું, પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા તથા સંતગણ, પદાધિકારીઓ-અધિકારીઓ પણ જોડાયાં હતા

(10:35 pm IST)