Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સ્કૂલ રજિસ્ટ્રેશન અને શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહી દિવાળી બાદ શરૂ કરવાની શિક્ષણ બોર્ડની જાહેરાત

સ્કૂલ રજિસ્ટ્રેશનની કાર્યવાહી 9 નવેમ્બરથી અને શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહી 10 નવેમ્બરથી શરૂ કરાશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ રજિસ્ટ્રેશન અને શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહી દિવાળી પછી શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્કૂલ રજિસ્ટ્રેશનની કાર્યવાહી 9 નવેમ્બરથી અને શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહી 10 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ દિવાળી વેકેશન પછી બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આમ, બોર્ડ દ્વારા હવે આગામી પરીક્ષાને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવામાં આવનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી દિવાળી વેકેશન બાદ નવેમ્બર માસમાં શરૂ કરવામાં આવનાર છે. જોકે, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવાની શરૂઆત કરવામાં આવે તે પહેલા સ્કૂલ રજિસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે શિક્ષક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ કરવી ફરજિયાત હોઈ શિક્ષણ બોર્ડ દ્વારા આ કાર્યવાહી અંગેની તારીખો જાહેર કરી હોવાનું જાણવા મળે છે.

સ્કૂલ રજિસ્ટ્રેશન અને શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહી વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન જ કરવામાં આવનાર છે. જેમાં સ્કૂલ રજિસ્ટ્રેશનની કાર્યવાહી 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જ્યારે શિક્ષક રજિસ્ટ્રેશનની કાર્યવાહી 10 નવેમ્બરથી શરૂ થશે. ચાલુ વર્ષે નોંધાયેલી તમામ નવી સ્કૂલોએ નવેસરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપરાંત હાલમાં જે સ્કૂલો ચાલુ છે તેમણે માહિતી અપડેટ કરવાની રહેશે

(11:11 pm IST)