Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પર્યાવરણની પોષક એવી અમદાવાદની 12 વર્ષની બાળાને રૂબરૂ મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ નાની વયની આર્યાના પર્યાવરણ અને હેરીટેજ વિષે જ્ઞાન અને લગાવની સરાહના કરી

અમદાવાદની વતની અને ૭માં ધોરણમાં ભણતી એવી ૧૨ વર્ષની આર્યા નામની તબુડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી છે.આ બાળકી બાળપણથી જ પર્યાવરણ રક્ષા અને હેરિટેજ વિષયમાં રસ રૂચિ ધરાવે છે. આર્યા આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને ગાંધીનગરમાં રૂબરૂ મળી હતી.

 આર્યા યુનાઇટેડ નેશન્સ, યુનેસ્કો, વર્લ્ડ હેરીટેજ કમિટી પેરીસ, ગાંધી સેન્ટર -હેગ નેધરલેન્ડ જેવી વિશ્વ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પોતાના કાર્યોની પ્રસ્તુતિ કરી ચુકી છે.

આર્યાએ અત્યાર સુધીમાં ૭ જેટલા પુસ્તકો લખ્યા છે. આર્યાએ આજે પોતાનું સાતમું પુસ્તક "સીડ્સ ટુ સો" મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને ભેટ અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીને તેણીએ પર્યાવરણ અને હેરીટેજ રક્ષા ક્ષેત્રે પોતાના કાર્યોની વિગતવાર માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ નાની વયની આર્યાના પર્યાવરણ અને હેરીટેજ વિષેના જ્ઞાન અને લગાવની સરાહના કરી હતી. તબીબ પિતા અને આર્કિટેક્ટ માતાની પુત્રી આર્યાએ માત્ર ૯ વર્ષની ઉંમરે બાકુ, અઝરબૈજાનમાં આયોજીત ૪૩મી વર્લ્ડ હેરીટેજ કમિટીની ઓપનીંગ સેરેમનીમાં ૧૮૦ દેશોના ડિપ્લોમેટ્સને સંબોધન કર્યું હતું. આર્યા પર્યાવરણ અને હેરીટેજ અંગે લોકોમાં જાગૃતિ વધારવા અને સમાજમાં બદલાવ લાવવા નાની વયથી કાર્યરત છે.

(6:57 pm IST)